Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોનાથી પતિનું મોત થતા પત્નીએ ડૉક્ટરનું લાઇસન્સ રદ્દ કરવા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ડોક્ટરોની બેદરકારીને મોત થયાનો આક્ષેપ : રાજ્ય સરકાર અને મ્યુનિ,કમિશનરને તપાસનો આદેશ

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત થતાં મૃતકની પત્નીએ હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીના કારણે તેમના પતિનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે તેમને હાઇકોર્ટમાં એક અરજી કરી છે. અરજીમાં હોસ્પિટલના બે ડૉક્ટરોના લાઇસન્સ રદ્દ કરવાની પણ માંગ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં પરિવારના સભ્યો સાથે રહેતા પ્રફુલ સોનીને જૂન મહિનામાં તાવ અને કફની તકલીફ થઈ હતી. તેથી પરિવારના સભ્યોએ પ્રફુલ સોનીને તાત્કાલિક નિકોલ વિસ્તારમાં આવેલી સહજાનંદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હોસ્પિટલના ડૉક્ટર આશિત પટેલે પ્રફુલ સોનીને ન્યુમોનિયાના લક્ષણો હોવાનું પરિવારના જ સભ્યોને જણાવ્યું હતું અને કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા.

 

પ્રફુલ સોની જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે તેમના પત્ની પારુલ સોનીએ ડૉક્ટર આશિતને વારંવાર કોરોનાના ટેસ્ટ કરવાનું કહ્યું હતું પરંતુ ડૉક્ટરે કોરોનાના ટેસ્ટ નહીં કરવાનું જણાવ્યું હતું. પહેલા હોસ્પિટલના ડૉક્ટરોએ પાંચ દિવસમાં સારવાર બાદ રજા આપવાનું જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ દસથી બાર દિવસ પછી રજા આપવાનું પરિવારના સભ્યોને કહ્યું હતું.

એક દિવસ ડૉક્ટર આશિત પટેલ હોસ્પિટલમાં નહોતા ત્યારે અચાનક પ્રફુલ સોનીની તબિયત લથડી હતી. પરિવારના સભ્ય આ બાબતે ડૉક્ટર આશિત પટેલે જણાવ્યું હતું કે, પ્રફુલ સોનીને કોરોના હોવાથી તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવે. પ્રફુલ સોનીને બીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન પ્રફુલ સોનીનું મોત નીપજ્યું હતું.

 આ સમગ્ર મામલે પ્રફુલ સોનીની પત્ની પારુલ સોનીએ અવાર નવાર પોલીસમાં રજુઆત કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ નહીં લેતા અંતે પારુલ સોનીએ હોસ્પિટલના ડૉક્ટર આશિત પટેલ અને ડૉક્ટર સંદીપ મકવાણા સામે સખત કાર્યવાહી કરવાના અને તેમનું લાઇસન્સ રદ્દ કરવાની માગ હાઇકોર્ટમાં એક અરજી કરીને કરી છે.

આ બાબતે પારુલ સોનીના એડવોકેટનું કહેવું છે કે, સમગ્ર મામલે થયેલી સુનાવણી બાદ હાઇકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને તપાસ માટે આદેશ કરીને રીટની સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે.

(11:51 pm IST)