Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

એક દેશી ગાયની મદદથી ૩૦ એકરમાં પ્રાકૃતિક ખેતી થઇ શકે

કૃષિ ક્રાંતિ માટે નેચરલ ફાર્મિંગ માટે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા રાજ્યપાલશ્રીની હાકલ

રાજકોટ તા. ૭ : આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત બીજું ડો. વી.જી.પટેલ મેમોરિયલ લેકચર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યું હતું. આ સીરિઝમાં બીજા લેકચરનું આયોજન વર્ચ્યુઅલી થયું હતું અને એનો વિષય હતો 'આંત્રપ્રિન્યોરિયલ ઓપોર્ચ્યુનિટીઝ ઇન નેચરલ ફાર્મિંગ' એટલે કે 'કુદરતી ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાની તકો.' આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર હની બી નેટવર્ક, SRISTI (સૃષ્ટિ), GIAN (જ્ઞાન) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના સ્થાપક પ્રો. અનિલ ગુપ્તા અને EDIIના ડાયરેકટર જનરલ ડો. સુનિલ શુકલા ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ ક્ષેત્ર અને નેચરલ ફાર્મિંગમાં ઉદ્યોગ સાહસિકતાની વણખેડાયેલી તકો પર વર્ચ્યુઅલ ઓડિયન્સને સંબોધન કરતા આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આપણે આ ક્ષેત્રને ગંભીરતાપૂર્વક લઇએ અને દરેક રીતે નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા વ્યવસ્થિત પગલા લઇએ એ જરૂરી છે, જેથી વાણિજ્યિક ખેતી કરીને ખેડૂતોની આજીવિકામાં વધારો થાય. કૃષિનું સતત મૂડીરોકાણ સુનિશ્ચિત કરવા ખેડૂતોને મદદરૂપ થાય એવી સ્ટ્રેટેજી સ્વરૂપે સજીવ ખેતી પર આપણા ખેડૂતોને જાણકારી આપવા મહત્વપૂર્ણ છે. ગુજરાતે નેચરલ ફાર્મિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે કૃષિ ક્ષેત્રમાં પ્રશંસનીય પ્રગતિ કરી છે.

ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણરૂપ કાર્ય કરનારા સ્વર્ગીય ડો. વી.જી. પટેલની સ્મૃતિમાં ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારાડો. વી. જી. પટેલ મેમોરિયલ લેકટર સીરીઝના ભાગરૂપે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાની તક વિષયક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારને સંબોધતા રાજયપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુકિત મેળવશે, ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ગુણવત્તાયુકત ખેત ઉત્પાદન મેળવી શકશે. તેમણે જણાવ્યુ હતુ કે, રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા પ્રેરિત પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની દશા અને દિશા બદલનારી ક્રાંતિ સાબિત થઇ રહી છે ત્યારે ઇનોવેશન, નવા સંશોધનો અને ટેકનોલોજીના સુચારૂ ઉપયોગ દ્વારા ઉદ્યોગ સાહસિકો આ જનઅભિયાનને નવું બળ પૂરૃં પાડશે.

રાજયપાલશ્રીએ ગુરૂકુળ કુરૂક્ષેત્રમાં ૨૦૦ એકર જમીનમાં તેમણે અપનાવેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતા જણાવ્યુ હતુ કે, એક દેશી ગાયની મદદથી ત્રીસ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે જેનાથી ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદન મેળવી શકાય છે. પાણીની બચત થાય છે અને જમીનની ફળદ્રુપતા નિરંતર જળવાઇ રહે છે.

આ સંવાદમાં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તાએ પ્રાકૃતિક કૃષિને સમયની માંગ ગણાવી આ ક્ષેત્ર સાથે ઇનોવેશન, ઇન્વેન્શન અને એન્ટરપ્રાઇઝને જોડવાની અને ખેતરમાં રહીને સંશોધનો કરવા યુવાનોને પ્રેરણા આપવાની હિમાયત કરી હતી. જયારે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના મહાનિર્દેશક ડો અનિલ શુકલે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉદ્યમિતાની તકો વિશે જણાવી સ્વર્ગીય ડો. વી.જી. પટેલની સ્મૃતિમાં આ વર્ષે જ શરૂ કરાયેલા રાષ્ટ્રીય પુરસ્કાર વિશે માહિતી આપી પુરસ્કાર વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પ્રો. અનિલ ગુપ્તાએ સમજાવ્યું હતું કે, નેચરલ ફાર્મિંગ વર્ષો જૂની પરંપરા છે, પણ વ્યાપક સ્તરે પ્રોત્સાહન આપવા અને એની સ્વીકાર્યતા વધારવા વિસ્તૃત સંશોધનના પીઠબળની જરૂર છે. બાળકો અને યુવાનોને આ તરફ વાળવા પર ભાર મૂકીને તેમણે ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં બાળકોને તાલીમ આપવાની જરૂર સમજાવી હતી. ડો. સુનિલ શુકલાએ સ્વ. ડો. વી.જી.પટેલને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ડો. પટેલના ઉદ્યોગ સાહસિકતાની વિભાવના દ્વારા દેશના આર્થિક વિકાસમાં અભૂતપૂર્વ પ્રદાનને યાદ કર્યું હતું.

(11:43 am IST)