Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લાયન્સ ક્લબ ઓફ વિરમગામને ડિસ્ટ્રિક્ટ 3232 B દ્વારા એવોર્ડની વણઝાર

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાત્કાલિન પ્રમુખ હરિવંશભાઈ શુક્લને "બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિરમગામ તાલુકામાં છેલ્લા 52 વર્ષથી સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષ 2019-20માં  પ્રમુખ હરિવંશભાઈ શુક્લ દ્વારા  સેવાના સુંદર અને પ્રશંસનીય કામો કરવામાં આવ્યા હતા. જે માટે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાત્કાલિન  પ્રમુખ હરિવંશભાઈ શુક્લને "બેસ્ટ પ્રેસિડેન્ટ એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો. તદુપરાંત "બેસ્ટ કોરોના વોરિયર્સ સર્વિસ એકટીવીટી એવોર્ડ" પણ આપવામાં આવ્યો હતો. ક્લબ સેક્રેટરી અતુલ કુડેશીયાને "બેસ્ટ સેક્રેટરી એવોર્ડ" પણ એનાયત કરવામાં આવ્યો હતો.  હરિવંશભાઈ શુક્લના નેતૃત્વમાં સફળ સેવાકીય પ્રોજેક્ટ બદલ વિરમગામ ક્લબને કુલ 09 એવોર્ડ આપવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમ્યાન પણ  આ સેવાકાર્યો અવિરત ચાલુ હતા. કોરોના લોકડાઉન દરમ્યાન  સફાઈકર્મીઓને  મેડિકલ સ્ટાફને અને પોલીસકર્મીઓને સેનિટાઇઝર,  માસ્ક અને સાબુ વિતરણ કરવામાં આવેલ હતું. જરૂરતમંદ લોકોને રાશન કીટ પણ આપવામાં આવેલ. ધોમધખાતા તાપમાં ખડે પગે ફરજ બજાવતા  પોલીસકર્મીઓને અને સફાઈકર્મીઓને  દરરોજ લીંબુ શરબત વિતરણ કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,  લાયન્સ મેડિકલ સેન્ટરમાં છેલ્લા 27 વર્ષથી ઓર્થોપેડિક, આઈ, ડેન્ટલ જેવા વિભાગો કાર્યરત છે. જેનો આખા તાલુકાના લોકો સેવાકીય  લાભ લે છે.  છેલ્લા 30 વર્ષથી, દિવાળીના તહેવારોમાં આશરે 5000 કિલો  મીઠાઈ અને ફરસાણનું તેમજ  જન્માષ્ટમીના તહેવારોમાં આશરે  1500 લીટર  કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.

(2:34 pm IST)