Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નુકશાનીનું વળતર બે હેકટરની મર્યાદામાં જ મળશે : ખેડૂતોએ કબૂલાતનામું આપવું પડશે

રાજકોટ,તા. ૭: રાજ્ય સરકારે ચોમાસુ પાકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ૩૩ ટકાથી વધુ નુકશાન થયું હોય તો ખેડૂતોને સહાય ચુકવવાની જાહેરાત કરી છે. આ અંગે કૃષિ સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજે દરેક જિલ્લા વિકાસ અધિકારીને માર્ગદર્શન પરિપત્ર પાઠવ્યો છે.ખેડૂતોને મળવાપાત્ર સહાય ઓનલાઇન ચૂકાવાશે.

પરિપત્રમાં જણાવ્યું છે કે, જિલ્લા કક્ષાએથી તા. ૨/૯/૨૦૨૦ સુધીમાં રિપોર્ટિંગ કરેલ અસરગ્રસ્ત વિસ્તાર પૈકી તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે ટીમો દ્વારા સર્વે કરાવી ખેડૂતના સર્વે નંબર મુજબ પિયત પાકો, બીન પિયત પાકો અને બારમાસી પાકોમાં પાક વાર પાકનો નુકશાનગ્રસ્ત વિસ્તાર, પાક નુકશાનના ટકા જેથી બાબતોનો સમાવેશ કરી સામેલ પત્રક મુજબ યાદી તૈયાર કરવાની રહેશે. એક ૮-અ ખાતા દીઠ એક જ સહાય મહતમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે અને જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઇએ.લાભાર્થી ખેડૂતે પોર્ટલ ઉપર ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ નકલમાં સહી/ અંગૂઠો કરી અરજીની સાથે સાધનિક કાગળો જેવા કે, (૧) ૮-અ ની નકલ (૨) ૭/૧૨ ની નકલ / ગામના નમુના નંબર -૧૨માં પાક વાવેતરની નોંધણી થયેલ ન હોય તો તે કિસ્સામાં તલાટી કમ મંત્રીનો પાક વાવેતરનો દાખલો (૩) ખેડૂત લાભાર્થીના પોતાના બે એકાઉન્ટની પાસબુકના પ્રથમ પેજની નકલ (૪) સંયુકત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતી પત્રક (પ) આધાર કાર્ડની નકલ તથા (૧)ખેડુતનું કબુલાતનામુ જેમાં અરજી કરનાર લાભાર્થી ખેડુતે પોતાના ખેતરમાં વાવેલ ખરીફ પાકને ચોક્કસ ક્ષેત્રફળમાં અતિવૃષ્ટિથી નુકશાન થયેલ છે અને મારા આ નુકશાન પામેલ સર્વે નંબર-નંબરોમાં છેલ્લા ત્રણ વર્ષથી ખરીફ ઋતુમાં પાક વાવેતર કરૂ છું અને આ અંગે મળનાર સહાય ખોટી લીધેલ છે તેમ માલુમ પડશે તો સરકારશ્રીમાં પરત કરવાની બાહેધરી આપુ છું તે મતબલનું કબુલાતનામુ અરજી પત્રક સાથે લાભાર્થી ખેડુતે આપવાનું રહેશે. (ઓનલાઇન પોર્ટલમાં સમાવિષ્ટ)

(4:04 pm IST)