Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

‘સ્‍ક્રેચ એન્‍ડ વિન'ની લોભામણી ફેક લિંકથી ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકીના સૂત્રધાર સહિત 5 શખ્‍સોની ભરૂચમાં ધરપકડ

ભરૂચ: “Scratch and Win” ની લોભામણી ફેક લિંકથી ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના સૂત્રધાર સહિત 5 ઇસમોની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુના વધી રહ્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્ક્રેચ એન્ડ વીન નામની લોભામણી ફેક લિંક બનાવી ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત 5 સાગરીતોને રાજકોટ તેમજ સુરતથી ઝડપી પાડયા છે. ટોળકી પાસેથી રોકડા 9.60 લાખ, 10 મોબાઈલ, 48 સીમકાર્ડ, પૈસા ગણવાનું મશીન, એક કાર અને લેપટોપ કબજે કરાયા છે.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા રામકુમાર શર્માની બહેનના મોબાઈલમાં ફોન પે એપ્લિકેશમાં નાણાં જીત્યા હોવાના નામે લિંક મોકલી ઠગાઈ કરી હતી. જે અંગે ફરિયાદ પી.એમ. પોર્ટલ પર કરાઈ હતી. ભરૂચ સી ડિવિઝન ટીમ અને સાયબર સેલ અને સર્વેલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટનો મુખ્ય સૂત્રધાર મિલન સંજય સુરાણી (રહે. શક્તિ સોસાયટી) સહિત 5 આરોપીને પકડી પાડ્યા હતાં.

મિલન પાસેથી રોકડા 9 લાખ, પૈસા ગણવાનું મશીન, લેપટોપ, 10 મોબાઈલ ફોન, 48 સીમકાર્ડ જ્યારે વિવેક મનસુખ વરસાની (રહે. ગાયત્રી સોસાયટી રાજકોટ) પાસેથી રોકડા 60000 અને ગુનામાં વપરાયેલ એક સ્વીફ્ટ કાર કબજે કરાઈ હતી. અન્ય 3 આરોપીની અગાઉ સુરત કામરેજથી ઓનલાઈન ઠગાઈના આ નેટવર્કમાં ધરપકડ કરાઈ હતી. જેમાં પ્રતિક જયસુખ ઘદૂક રહે. કામરેજ, પિયુષ અશોક વજેરા રહે સુરત અને રવિ વલ્લભ પટોડીયાનો સમાવેશ થાય છે. ઓનલાઈન ફ્રોડના આ નેટવર્કમાં આ ટોળકીમાં બીજા સાગરીતો પણ સામિલ હોવાની અને રાજ્યમાં અન્ય શહેરોના લોકોને પણ ફ્રોડ લિંક મોકલી ઓનલાઈન ઠગાઈ આચરાઈ હોવાની આશંકા એ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:15 pm IST)