Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગાંધીનગર સે-7ની પોલીસની ટીમે બાતમીના આધારે ફતેપુરામાં દરોડા પાડી દારૂ ગાળવા વપરાતો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી બે શખ્સોની ધરપકડ કરી

ગાંધીનગર: જિલ્લામાં દેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે સે-૭ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ફતેપુરામાં દારૂ ગાળવા માટે વપરાતો અખાદ્ય ગોળ વેચવા માટે એક મીની ટ્રક આવ્યો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી ટ્રકમાં સવાર બે શખ્સોને પકડી ૭૦૦ કિલો અખાદ્ય ગોળ જપ્ત કરી ૧.ર૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેકઠેકાણે દેશી દારૂની હાટડીઓ ચાલતી હોય છે. દેશી દારૂ બનાવવા માટે અખાદ્ય ગોળનો ઉપયોગ થતો હોય છે. પરપ્રાંતમાંથી આ ગોળ પણ ગુજરાતમાં લવાતો હોય છે. ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સે-૧પના ફતેપુરામાં એક મીનીટ્રકમાં અખાદ્ય ગોળનો જથ્થો વેચવા માટે લવાયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી ભરત પોપટલાલ જાની, મહેશજી પોપટજી રાણા અને મનોજ બાબુભાઈ દંતાણીને ટ્રક અને ૭૦૦ કિલો અખાદ્ય ગોળ સાથે પકડી લીધા હતા. આ સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરીને ગોળના સેમ્પલને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. નોંધવું રહેશે કે થોડા દિવસ અગાઉ દહેગામ પોલીસે જવાહર માર્કેટમાંથી ઉત્તરપ્રદેશથી લવાયેલો ૧૬૫૬૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો પકડયો હતો.

(5:33 pm IST)