Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વલસાડનું ગૌરવ 64 વર્ષીય નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ:103થી વધુ જીત્યા મેડલ

નિવૃતિના ૫૮માં વર્ષે નવા-નવા શોખો અપનાવ્યા, સાયકલીંગનો અનેરા શોખ થકી આઠ વર્ષમાં નરેશભાઈ નાયકે ૭૫૦૦૦ કિલોમીટર સાયકલ ફેરવી નાખી

વલસાડના તિથલ રોડની પ્રેરણા સોસાઈટીમાં રહેતા ૬૪ વર્ષીય યુવાન નરેશભાઈ નાયક જેમણે જીવનના નિવૃતિના ૫૮માં વર્ષે નવા-નવા શોખો અપનાવ્યા, સાયકલીંગનો અનેરા શોખ થકી  આઠ વર્ષમાં નરેશભાઈ નાયકે ૭૫૦૦૦ કિલોમીટર સાયકલ ફેરવી નાખી છે અને વલસાડના ૪૦૦થી વધુ યુવાનોને સાયકલ ચલાવતા કરી દીધા છે યુવાનોને સાયકલીંગ સ્વીમીંગ અને રનીંગ થકી તંદુરસ્ત રહેવા પ્રેરણા આપતા નરેશભાઈ નાયકે આ ત્રણેય શોખ થકી ગુજરાત અને ગુજરાત બહાર પણ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ નરેશભાઈ નાયકે 103 થી વધુ મેડલો મેળવ્યા છે.  

ગણદેવી તાલુકાના મોહનપુર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા નરેશભાઈ નાયકે બીએસસીનો અભ્યાસ કરી ફાર્મા કંપનીમાં એમ.આર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી પહેલા ઝંડુ ફાર્મસી કંપનીમાં જોડાયા અને બાદ આયુર્વેદથી એલોપેથીમાં આવ્યા, બાદ જોડાયા મેડી-બાયો-સ્ટ્રીમ કંપનીમાં, અને આજે નિવૃત્તિ બાદ પણ માનદ સેવા આપી રહ્યા છે.

૫૮ વર્ષે કોઈ પણ નિવૃત્તિ વિચારે પરંતુ નરેશભાઈ નાયકે સાયકલીંગને પોતાનો શોખ બનાવ્યો, ૨૦૧૫-૧૬માં સાયક્લોથોનમાં ભાગ લેનારા વલસાડના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમાં એમને ૭૨ મીનીટમાં ૨૧ કિલોમીટર સાયકલીંગ કરી પોતાના શોખને જીવંત કર્યો, સાથે સાથે પ્રથમ વર્ષે જ ૧૦૦૦૦ કિલોમીટર સાયકલ ફેરવી નાખી, બીજા વર્ષે ૧૫૦૦૦ અને જોતજોતામાં સપ્ટેમ્બર 2022 સુધીમાં ૭૫૦૦૦થી વધુ કિલોમીટર સાયકલીંગ કરી અનોખી છાપ યુવાનો ઉપર છોડી રહ્યા છે હવે નરેશભાઈ નાયક વલસાડના “જોશીલા વ્યક્તિત્વ” તરીકે પણ ઓળખાવા લાગ્યા છે.

(12:02 am IST)