Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

કેન્દ્રીય કૃષિ મંત્રી – રસાયણ – ખાતર અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતી :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા

 

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા બેક ટુ બેઝિક ના કરેલા આહવાનને ગુજરાતે ઝૂંબેશ રૂપે ઉપાડયું છે.

 

રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં ર.પ૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા હોવાનો અંદાજ છે એમ પણ
તેમણે જણાવ્યું હતું.દેશમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની સમીક્ષા બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ હતી.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા રસાયણ-ખાતર અને આરોગ્ય મંત્રી મનસુખભાઈ  માંડવીયાની ઉપસ્થિતીમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તરાખંડ, ત્રિપુરા સહિત દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સતત માર્ગદર્શન આપતા રહ્યા છે.
રાજ્યની ૧૩ હજાર જેટલી ગ્રામ પંચાયતોના સાડા ચાર લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહિ, આદિજાતિ જિલ્લો ડાંગ ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર થયો છે.
ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેત પેદાશોના ઉત્પાદનોના વેચાણ માટે દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટીવ મોડેલ વિકસાવવાની પહેલ કરી છે.
કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના ડેટા સાથે લેન્ડ સિડીંગની ૯૩ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે.આ ઉપરાંત, આઇ ખેડૂત પોર્ટલ, કિસાન સારથી પ્લેટફોર્મ અને ઇ-નામ પોર્ટલ જેવી ટેક્નોલોજીથી રાજ્યનાધરતીપુત્રોને ટેક્નોલોજીના ઉપયોગ તરફ પ્રેરિત કર્યા છે. ખેતરોમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છેતેની વિગતો તેમણે આપી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રી  મુકેશભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમજ કૃષિ નિયામક સોલંકી વગેરે આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

(1:13 am IST)