Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગૌશાળા-પાંજરાપોળને ગાય-ભેંસ દિઠ રોજના રૂા. ૩૦ સહાયની યોજના વિધિવત અમલમાં

મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો પરિપત્ર પ્રસિધ્‍ધ

રાજકોટ,તા. ૭ : રાજ્‍ય સરકારે મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજના વિધિવત રીતે અમલમાં મૂકી છે. તા. ૨૯ સપ્‍ટેમ્‍બરે કૃષિ વિભાગ દ્વારા નાયબ સચિવ ડો.કૌશિક એમ. ત્રિવેદીની સહીથી પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે. ગાય અને ભેસ દિઠ નોંધાયેલી ગૌશાળા-પાંજરાપોળને દૈનિક રૂા. ૩૦ મળવાપાત્ર થશે.

પરિપત્રમાં જણાવાયું છે કે રાજ્‍યમાં પબ્‍લિક ટ્રસ્‍ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાય આપી આર્થિક રીતે મદદરૂપ થવાનો આ યોજનાનો ઉદ્દેશય છે. આ યોજના હેઠળ સંસ્‍થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દિઠ પ્રતિ દિન રૂા. ૩૦ લેખે સહાય આપવામાં આવશે. કોઇ પણ સંસ્‍થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની સંખ્‍યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફકત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઇ પણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં

સંસ્‍થા મુંબઇ પબ્‍લિક ટ્રસ્‍ટ એકટ, ૧૯૫૦/ ગુજરાત પબ્‍લિક ટ્રસ્‍ટ એકટ, ૨૦૧૧ હેઠળ નોંધાયેલ હોવી જોઇએ. સંસ્‍થાની નોંધણી તા. ૩૧/૦૩/૨૦૨૨ પહેલા થયેલ હોવી જોઇએ. અને તા. ૩૧/૩/૨૦૨૨ પહેલાની નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઇએ. સંસ્‍થા પાસે પોતાના માલિકીની જમીન, પશુઓના પ્રમાણમાં ઉપલબ્‍ધ હોવી જોઇએ. સંસ્‍થા પાસે પશુઓની સારવાર તેમજ માવજત માટે જરૂરી સાધનો અને વ્‍યવસ્‍થા હોવી જોઇએ. 

(10:41 am IST)