Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પીએમ બંદોબસ્‍ત માટે જબ્‍બર સુરક્ષાચક્ર માટે તાકીદની બેઠકઃ રણનીતિ ઘડાઇ

જામનગર જમાવડો, જામકંડોરણામાં પ્રચંડ જનમેદની માટે રાજકારણીઓ દ્વારા ધમધમાટ વચ્‍ચે ગાંધીનગરથી મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા ટીમ પણ સક્રિય બની : જામનગર, દેવભુમિ દ્વારકા, સુરેન્‍દ્રનગર, રાજકોટ જિલ્‍લા એસપી સાથે વધારાના ૬ એસપી મૂકવામાં આવશેઃ ઐતિહાસિક ડીમોલેશન દ્વારા નામના હાંસલ કરનાર ઉતર સૌરાષ્‍ટ્રના વડા સંદીપસિંહ સાથે સૌરાષ્‍ટ્રની અંધારી આલમ પર જબ્‍બર પક્કડ ધરાવતા આઇજી સુભાષ ત્રિવેદી પણ મોરચો સંભાળશે : પીઆઇએફ પર પ્રતિબંધ, બેટ સહિતના ડીમોલેશન ધ્‍યાને રાખી આઇબી વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા દરિયા, સરહદ અને જમીન પર બાજ નજર રાખવા આઇબી યુનિટ એલર્ટ કરાયા...

રાજકોટતા.૭: આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રચાર પ્રસારનો મુકાબલો કરવા માટે આગામી ધારાસભાની ચૂંટણીઓ સંદર્ભે ખુદ વડાપ્રધાન શ્રીદ્વારા મોરચો સંભાળ્‍યો હોવાથી જામનગર અને ખાસ કરી જામકંડોરણા ખાતે સહકારી જગતના મોટા ગજાના નેતા સ્‍વ.વિઠલભાઇ પટેલની કર્મ ભુમિમાં અંદાજે ૨ લાખની જન્‍મ મેદની એકઠી કરવાની જોરદાર તૈયારીઓ વચ્‍ચે પોલીસ તંત્ર દ્વારા પણ અભેદ સુરક્ષા રચવા માટે ખુદ મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તાકીદની વિડિયો કોન્‍ફરન્‍સ દ્વારા શું શું પગલાઓ લેવા અને પ્રવર્તમાન પરિસ્‍થિતિમાં કેવો બંદોબસ્‍ત રાખવો તે અંગે માર્ગદર્શન આપ્‍યાની બાબતને મુખ્‍ય પોલીસ વડાઆશિષ ભાટિયા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપવામાં આવ્‍યુ છે.

દરમિયાન આગામી તા.૧૦ અને ૧૧ના રોજ સૌરાષ્‍ટ્ર આવનાર વડાપ્રધાન શ્રીમોદી જામનગરના ભરચક્ક કાર્યક્રમ બાદ ૧૦મીએ રાજકોટ રાત્રિ મુકામ કરવાના છે, તે અંગે હજુ સતાવાર રીતે કોઇ જાણ ગાંધીનગરને  કરવામાં આવી નથી આમ છતાં આજ સાંજ સુધીમાં સતાવાર નિર્ણય કરવામાં આવશે તેમ સૂત્રો જણાવે છે.

જામ કંડોરણામાં જબરજસ્‍ત શકિત પ્રદર્શન માટે કુમાર છાત્રાલય પાસેની ૪૦ વીઘા જમીનમાં ૫ ડોમ બનાવવા સાથે દોઢ લાખ લોકોના ભોજન માટે વ્‍યવસ્‍થા કરી આ કાર્યક્રમ સફળ બનાવવા વિશેષ સમિતિઓ બનાવી આસપાસના ગામોમાંથી જનમેદની ઉમટે તે માટે ફુલપ્રુફ આયોજન કર્યુ છે.

બીજી તરફ કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ રીતે જળવાઇ રહે તે માટે બેટ દ્વારકામાં ઐતિહાસિક ડીમોલેશન કરનાર રાજકોટ રેન્‍જ આઇજીની સાથે સાથે સૌરાષ્‍ટ્રની રાજકીય પરિસ્‍થિતિના ખૂબ અનુભવી અને માફીયાઓ પર જબ્‍બર પક્કડ ધરાવતા સીઆઇડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદીને મહત્‍વની કામગીરી સુપ્રત થયાની બાબતને પણ મુખ્‍ય પોલીસ વડાઆશિષ ભાટિયા દ્વારા સમર્થન મળ્‍યુ છે.

સુરેન્‍દ્રનગર, રાજકોટ જિલ્‍લો, દેવભુમી દ્વારકા જિલ્‍લાના એસપી સાથે અન્‍ય જિલ્‍લાના ૬ એસપી, બે ડઝન જેટલા પોલીસ ઇન્‍સ્‍પેકટર, એસ.આર પી.હોમ ગાર્ડ વિગેરે ફાળવવામાં આવશે તેમ મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા કે જેઓ દ્વારા મુખ્‍ય સુકાન સંભાળનાર છે તેવો દ્વારા અકિલા સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્‍યુ હતુ

દરમિયાન રાજકોટ રેન્‍જ વડા સંદિપસિહ સહિત રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડ અને જામનગર એસપી પ્રેમ સુખ ડેલુ સાથે તાકીદની પ્રેસ કોન્‍ફરન્‍સ  દ્વારા આશિષ ભાટિયા દ્વારા જબ્‍બર સુરક્ષાચક્ર ગોઠવાયુ છે. આઇબી દ્વારા પણ પીઆઇએફ વિગેરે પ્રતિબંધ, ડીમોલેશન વિગેરે બાબતો ધ્‍યાનમાં રાખી સેન્‍ટ્રલ આઇબી સાથે સંકલન રાખી જામનગરની મુલાકાત અંતર્ગત દરિયા સુરક્ષા વ્‍યવસ્‍થા પર, બાજ નજર રાખવા આઇબી વડા અનુપમસિંહ ગેહલોત ટીમ પણ કાર્યરત બની છે.

(4:12 pm IST)