Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

માપદંડને મારો ગોળી : ‘પિસ્‍તોલ' જેવાને જ ભાજપની ટિકીટ

લોકતંત્રના પર્વના પગલા પડયા, કાર્યકરોના હેત ઢળ્‍યા, લડવા દાવેદારો ટોળે વળ્‍યા રે, ચૂંટણી તારા આવવાના એંધાણ થયા.. : ૩ ટર્મ, ૬૦ વર્ષની વય મર્યાદા, ‘દાગી-બાગી નહિ' વગેરે વાતો હવામાં : જીતવાની ક્ષમતા જ સૌથી મોટી લાયકાત

રાજકોટ, તા. ૭ :  રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવા  આડે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં સતત છેલ્લી ૬ વિધાનસભાની ચૂંટણી જીતી રહેલા ભાજપના ઉમેદવાર બનવા તમામ વિધાનસભા ક્ષેત્રોમાં ભારે ઘસારો છે. તાલુકા-જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી વખતે ભાજપે ૬૦ વર્ષથી વધુ વયના અને અગાઉ ૩ વખત ચૂંટણી લડી ચૂકેલા દાવેદારોને ટિકીટ નહિ આપવાનો માપદંડ અપનાવેલ. વિધાનસભાની ચૂંટણીમાં પણ ચોક્કસ કોઇ માપદંડ આવવાની વાતો સંભળાઇ રહી છે પરંતુ ભાજપના ટોચના આધારભૂત વર્તુળો આવી શકયતા નકારે છે. જીતવાની ક્ષમતા જ મુખ્‍ય માપદંડ રહેશે તેમ આ વર્તુળો ઉમેરે છે. વર્તમાન બધા ધારાસભ્‍યોને પડતા મૂકી તમામ બેઠકો પર નવા ચહેરા મુકવાથી મતદારોમાં અનેરી અસર પડી શકે પણ આ પ્રયોગ રાજકીય રીતે જોખમી ગણાય છે. સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીના સમીકરણો અલગ હોય છે. ભૂતકાળમાં કે હમણા પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બધાની ટિકીટ કાપવાથી તે અન્‍ય પક્ષ તરફ ઢળી જવાની શકયતા રહે છે. અમૂક બેઠકો પર વિપક્ષના બાવળાના બળવાળા ઉમેદવારની સામે એવા જ ઉમેદવારની જરૂર રહે છે. આમ દાગી અને બાગીને ટીકિટ નહિ તે માપદંડ પણ ચૂસ્‍ત રીતે લાગુ કરી શકાય તેમ નથી. ૬૦ વર્ષથી ઉપરના ઉમેદવારોની બાદબાકી કરવામાં આવે તો વર્તમાન મંત્રી મંડળ અને ધારાસભામાંથી કેટલાય પ્રતિનિધીઓને બાદ કરવા પડે તેમ છે. તેવી જ સ્‍થિતિ ૩ ટર્મની બાબતમાં સર્જાય શકે છે. સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારોને ચૂંટણી ન લડાવાય તે બનવા જોગ છે.

 રાજયમાં આમ આદમી પાર્ટીની મહેનત દેખાવા લાગી છે. કોંગીને મુખ્‍ય હરીફ ગણતો ભાજપ ત્રીજા બળને અવગણી શકે તેમ નથી. ટીકીટ વિતરણમાં ગરબડની સીધી અસર પરિણામ પર પડી શકે છે. ગુજરાતની ટીકીટો ‘દિલ્‍હીવાળા' નેતાઓ નકકી કરનાર છે. વર્તમાન સંજોગો જોતા દરેક બેઠક પર સ્‍થાનિક જ્ઞાતિગત સમીકરણો સહિતની પરિસ્‍થિતિ જોઇને ઉમેદવાર પસંદગી થશે. અત્‍યારે જે માપદંડો લાગુ પડવાની વાતો થઇ રહી છે તે બધી હવામાં જ હોવાનું વિશ્વાસપાત્ર વર્તુળોએ અકિલાને જણાવ્‍યું હતું. ભાજપની સેન્‍સ પ્રક્રિયા દિવાળી પછી તુરત થાય તેવી શકયતા છે. સેન્‍સમાં ગમે તે નામ ઉપસે કે ન ઉપસે પણ માપદંડને એકબાજુએ મૂકી જીતવાની અને ધારાસભ્‍ય તરીકે કામ કરવાની આધારે જ ટીકીટ નકકી થશે તેમ જાણવા મળેલ છે.

(4:17 pm IST)