Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

યાત્રાધામ અંબાજી મંદિરને નવરાત્રિ દરમિયાન 2.64 કરોડની થઇ આવક

પ્રસાદ વેચાણમાં 1.51 કરોડની આવક ; મંદિરના ભંડારામાં 81.59 લાખની રોકડની આવક :ભેટ કાઉન્ટર પર 29.54 લાખની ભેટ નોંધાઇ

શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં આસો સુદ નવરાત્રીનું અનેરું મહત્વ છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજ્યના ખૂણેખૂણેથી માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. મા અંબાના ચાચર ચોકમાં નવરાત્રીના નવ નવ દિવસ સુધી માઇભક્તો ગરબે ઘૂમ્યા હતા. જ્યારે આ વર્ષે અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન 2.64 કરોડની અધધ આવક નોંધાઇ છે.

‘ગોલ્ડન ટેમ્પલ’ તરીકે પણ ઓળખ ધરાવતું માં જગત જનની અંબાનું ધામ અંબાજી મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે. શક્તિની નગરી અંબાજીમાં નવરાત્રિમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અંબાજી પહોંચી રહ્યા છે. તો પાવન નવરાત્રિના દિવસોમાં લોકો મન મૂકીને માતાજીના ચરણોમાં દાન પણ આપી માતાજીનો આશીર્વાદ મેળ્યા છે.

મંદિરના ભંડારામાં 81.59 લાખની રોકડ રમની આવક થઇ છે. તો વળી ભેટ કાઉન્ટર પર 29.54 લાખની ભેટ નોંધાઇ છે. જ્યારે પ્રસાદ વેચાણની વાત કરીએ તો આ વર્ષે માતાના ધામમાં રૂપિયા 1.51 કરોની આવક પ્રસાદના વેચાણમાંથી થઇ છે. એટલુ જ નહીં જે લોકો સ્વયંમ નથી આવી શક્યા તે ભાવિકોએ પણ માતાના દરબારમાં ઓનલાઇન ડોનેશન આપી માતાના આર્શિવાદ મેળવ્યા છે. ઓનલાઇન ડોનેશનથી મંદિરને 3.65 લાખની આવક થઇ છે.

(12:33 am IST)