Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગુજરાતમાં કોરોનાના નવા કેસ પૈકી ૭૫ ટકા માત્ર ૪ મહાનગરોમાં

રાજ્‍યમાં ગઇકાલના કુલ કેસ ૫૩૯૬ : અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેરના કુલ કેસ ૪૦૭૩ : ૧૩ જિલ્લાઓમાં નવા કેસ ૧૦ની અંદર : સાજા થવાનો દર ૯૬.૬૨ ટકા : વેન્‍ટીલેટર પર માત્ર ૧૯ દર્દીઓ

રાજકોટ તા. ૮ : ગુજરાતમાં કોરોનાના નવા કેસ કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્‍યના કુલ કેસમાં મોટો ભાગ ૪ મોટા નગરોનો છે. ગઇકાલે સાંજે જાહેર થયેલ નવા ૫૩૯૬ કેસ પૈકી ૭૫ ટકા કેસ માત્ર રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરના છે અન્‍ય વિસ્‍તારોમાં પ્રમાણમાં કેસ ઘણા ઓછા છે.
ગઇકાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્‍તારમાં ૨૨૮૧, સુરતમાં ૧૩૫૦, વડોદરામાં ૨૩૯ અને રાજકોટ શહેરમાં ૨૦૩ કેસ નવા નોંધાયા છે. આ ચારેય મહાનગરોનો સરવાળો ૪૦૭૩ થાય છે. કુલ કેસ ૫૩૯૬ના ૭૫ ટકાથી વધુ છે. ગાંધીનગર શહેરમાં ૯૧, જામનગરમાં ૪૦ અને જુનાગઢ શહેર વિસ્‍તારમાં ૧૯ નવા કેસ સામે આવ્‍યા છે. ભાવનગર શહેરમાં ૫૧ નવા કેસ છે.
વલસાડ જિલ્લામાં ૧૪૨, આણંદ જિલ્લામાં ૧૩૩, ખેડામાં ૧૦૪ અને સુરતમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે. તે સિવાઇના તમામ જિલ્લાઓમાં નવા કેસ બે આંકડામાં છે. દ્વારકા, જામનગર, મહાસાગર સહિત ૯ જિલ્લાઓમાં નવા કેસ ૧૦ની અંદર છે. બોટાદ, ઉદેપુર, ડાંગ અને પોરબંદર જિલ્લામાં નવો એકેય કેસ નોંધાયો નથી. રાજ્‍યમાં હાલ ૧૮૫૮૩ એકટીવ કેસ પૈકી ૧૯ વેન્‍ટીલેટર પર છે. ૧૮૫૬૪ની તબિયત સ્‍થિર છે. સાજા થવાનો દર ૯૬.૬૨ ટકા છે.

 

(1:37 pm IST)