Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કલોલમાં સ્ટેશન રોડ પર ત્રણ દુકાનમાં ઘુસી તસ્કરોએ લાખોની મતાની ઉઠાંતરી કરતા હડકંપ મચી જવા પામ્યો

કલોલઃ કલોલમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતીત થઇ રહ્યું છે. સ્ટેશન રોડ પર આવેલ ખમાર ભુવન નજીક એક જ રાતમાં ત્રણ દુકાનોમાં ઘુસીને ચોરોએ માલમત્તાની ચોરી કરતા હડકંપ મચી ગયો છે. સ્ટેશન રોડ પર આવેલ મેસર્સ ખમાર મણિલાલ લાલદાસની દુકાનની પાછળના ભાગે બાકોરું પાડીને ચોરો અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત આજુબાજુમાં રહેલ બે દુકાનોમાં પણ ઉપરની સાઈડ બખોલ બનાવીને માલમત્તાની ચોરી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

કલોલમાં આવેલ સ્ટેશન રોડ પરની દુકાનોના પાછળના ભાગે દીવાલ બાકોરું પાડીને ચોરી કરવાની ગંભીર ઘટના સામે આવી છે.એક દુકાનમાં ઘુસીને આસપાસ રહેલ અન્ય બે દુકાનોની કોમન દીવાલોમાં પણ બાકોરાં પાડીને તસ્કરોએ ખાતર પાડયું હતું. બનાવની વિગત અનુસાર કલોલ અંબિકા સોસાયટીમાં રહેતા વૈભવ કુમાર કિરીટભાઈ ખમાર  સ્ટેશન રોડ પર આવેલ મેસર્સ મણિલાલ લાલદાસ નામની દુકાન ચલાવે છે. ગતરાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. જોકે સવારે તેઓએ અને તેમના ભાઈ દુકાને આવ્યા હતા ત્યારે શટર ઊંચું કરીને જોતા દુકાનની પાછળ બખોલ પડેલ હતી. તેમજ લોખંડની તિજોરી ખુલ્લી પડેલ હોવાથી તેમાં તપાસ કરતા આશરે ૬૦ હજાર રૃપિયાની ચલણી નોટો ગાયબ હતી.  આ ઉપરાંત આ દુકાનની બંને સાઈડની કોમન દીવાલોમાં બાકોરું પાડેલું જોવા મળ્યું હતું. જેથી બાજુની દુકાનના માલિક ઉર્વેશ હિતેશકુમાર પટેલે તપાસ કરતા તેમની દુકાનમાંથી જુદી જુદી ચલણી નોટો અને પરચુરણ મળીને ૪૫ હજાર તેમજ ૩ હજારની કિંમતનું સીસીટીવી ડીવીઆર ચોરી થયેલ માલુમ પડયું હતું. ફરિયાદીની જમણી બાજુ આવેલ નટવરલાલ ડાહ્યાભાઈ પટેલની નટરાજ કિરાણામાંથી ડાયફ્ટ તેમજ મરી મસાલાની પરચુરણ આઈટમ થઈને કુલ ૧૦ હજાર રૃપિયાનો માલસામાન ચોરો ઉઠાવી ગયા હતા. જેને લઈને આ ત્રણેય દુકાનોમાંથી  કુલ ૧.૧૮ લાખ રૃપિયાની રોકડ તેમજ માલસામાનની ચોરી થઇ હોવાની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અત્રે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ કલોલમાં આવેલ પરમેશ્વર શોપિંગ સેન્ટરમાં આવેલ ત્રણ દુકાનો તાળા તૂટયા હતા અને હવે સ્ટેશન રોડ પર આવેલ ત્રણ દુકાનોમાં બાકોરું પાડીને ચોરી થતા પોલીસની કામગીરી ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે.

(4:47 pm IST)