Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

આંકલાવ-કસીન્દ્રા રોડ નજીક સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સજાની સુનવણી કરવામાં આવી

આંકલાવ:આંકલાવ-કોસીન્દ્રા રોડ ઉપર આવેલી ઈન્દિરાનગરીમાં રહેતી એક સગીરાની છેડતી કરીને આબરૂ લેવાનો પ્રયાસ કરવાના કેસમાં આણંદની એડિશનલ સેશન્સ કોર્ટે એક શખ્સને તકશીરવાર ઠેરવીને ત્રણ વર્ષની કેદની સજા સંભળાવી હતી જ્યારે ત્રણ સહ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર સગીરા ગત ૫-૬-૧૮ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી રોડની સામે કચરો નાંખવા માટે ગઈ હતી ત્યારે એક અલ્ટો કાર નંબર જીજે-૬, કે-૩૮૧૭મા સાજીદભાઈ રણજીતસિંહ રાજ, ઐયુબભાઈ અહેમદભાઈ રાજ, શૈલેષભાઈ રમેશભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ચંદુભાઈ ઠાકોર આવી પહોંચ્યા હતા અને સાજીદે સગીરાનો હાથ પકડીને તુ મને બહુ ગમે છે તેમ જણાવીને તેના શરીર સાથે અડપલા કરીને આબરૂ લેવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. સગીરાએ વિરોધ કરતા તેણીને જમીન પર પાડી દઈને અર્જુને સાજિદ કહે તેમ કરવાની ધમકી આપી હતી. દરમ્યાન બુમો સાંભળીને સગીરાની માતા સહિત ઘરના સભ્યો આવી જતાં ચારેય જણાં ત્યાંથી કારમાં સવાર થઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને ચારેયની ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કરીને ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી.આ કેસ એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફથી ઉપસ્થિત સરકારી વકીલ જે. એચ. રાઠોડે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, સગીરાની ચાર શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી છે, જે ભોગ બનનાર તેમજ સાહેદોની જુબાની પરથી ફલિત થાય છે. સમાજમાં સ્ત્રી અત્યાચારના ગુનાઓનું પ્રમાણ વધ્યું હોય સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા અપીલ કરી હતી. જજ જી. એચ. દેસાઈએ બન્ને પક્ષોની દલિલો સાંભળીને તેમજ રજુ થયેલા પુરાવાઓને ધ્યાનમાં લઈને સાજીદભાઈ રણજીતસિંહ રાજને તકશીરવાર ઠેરવ્યો હતો ત્રણ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે બીજા ત્રણ શખ્સોને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. ચુકાદા વખતે આરોપી સાજીદભાઈ કોર્ટમાં હાજર ના હોય તેમના વિરૂધ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો.

(4:57 pm IST)