Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

છોટુભાઈ વસાવા-મહેશભાઈ વસાવા વિરુદ્ધ આદિવાસી ભાષામાં ગવાયેલું વિવાદી ભજન વાયરલ થતા સમર્થકોમાં ભારે આક્રોશ

વાયરલ થયેલા આ ભજનમાં બંને નેતાઓને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતા સમર્થકોમાં ભારે રોષ ફેલાયો

રાજપીપળા: BTP ના ધારાસભ્ય પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વિરુદ્ધ આદિવાસી ડોવરી ભાષામાં ગવાયેલું એક ભજન સોશિયલ મીડિયામાં વાયરલ થતા એમના સમર્થકોમાં ભારે રોસ ફેલાયો છે.વાયરલ થયેલા આ ભજનમાં છોટુ વસાવા-મહેશ વસાવાને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતા સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે.

નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ આ ભજન ગાનાર અને વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગની સાથે એમ પણ કહ્યુ છે કે આ કૃત્ય કરનાર સાથે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની BTP-BTTS ની કોઈ જવાબદારી રહેશે નહિ. આ ચીમકી બાદ હવે એ જોવું રહ્યુ કે પોલીસ કડક કાર્યવાહી કરે છે કે કેમ??

નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ રોષ વ્યકત કરી ડેડીયાપાડા પોલીસને જણાવ્યું છે કે 29/12/2021 નાં રોજ પીપલોદ ગામનાં મંદિર ફળિયામાં જાન્યા ઉબડીયા વસાવાના પત્નીનો બારમા ભજનનો કાર્યક્રમ હતો.એ ભજન કાર્યક્રમમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા “ચોર અને ડાકુ છે અને એમની ગાડી ચેક કરો તો એક બોક્ષ બીયર, અને એક બોક્ષ કોટારીયા નીકળે” તેવી સ્થાનિક આદિવાસી ડોવરી ભાષામાં ઉપજાવી કાઢેલું ભજન જાહેર મંચ પર ગાઈ વિડીયો બનાવી માલસામોટના નરેશ પુનિયા વસાવાના મોબાઈલ દ્વારા સોશિયલ મીડીયામાં વાઈરલ કરાયો છે.

બહાદુર વસાવાએ વધુમાં એમ જણાવ્યું હતું કે આ કૃત્યને લીધે તેમના સમર્થકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે, જેથી કોઇ પણ સમર્થકોને જો ખોટું લાગશે અને આ ભજન ગાનાર સાથે જાહેરમાં કોઈ પણ જાતનો અઈચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) કે (BTTS) ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારો કે કાર્યકરોની રહેશે નહિ.જેથી આવું હીન કૃત્ય કરનાર અને કરાવનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગ છે.

(8:14 pm IST)