Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કૃષિ વૈજ્ઞાનિકોએ ખેતરમાં જીવાત વધવાની ચેતવણી આપી

ચણા, જીરું, લસણ સહિતના પાકમાં નુકશાન : કમોસમી વરસાદના છાંટા પડવાથી હાલમાં ખેડૂતોએ રવિ પાક લેવા માટે જે વાવેતર કર્યું છે તેમાં નુકશાન થયું છે

ગાંધીનગર,તા.૮ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હતી તે મુજબ ગુજરાતભરના તમામ જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વધુ પડતી ઠંડી તેમજ કમોસમી વરસાદના છાંટા પડવાથી હાલમાં ખેડૂતોએ રવિ પાક લેવા માટે જે વાવેતર કર્યું છે તેમાં નુકશાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોને ચણા, જીરું, લસણ સહિતના પાકમાં નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં માવઠા થયા હતા. જેને લઇ ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ચેતવણી કૃષિ વૈજ્ઞાનિકે આપી છે. માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવની થવાની ચેતવણી કૃષિ વૈજ્ઞાનિકે આપી છે. મહેસાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે તમામ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની ચેતવણી આપી છે.

જેમાં જીરુંના પાકમાં કાળિયાનો રોગ થવાની શક્યતા સહિત વરિયાળીના ચરમી અને સાકરિયોનો રોગ થવાની શક્યતા અને ઈસબગુલમા મોલો મચ્છીનો રોગ થવાની શક્યતા બટાટામા સુકારા, રાઈમાં ભૂકી છારો અને મોલો રોગની શક્યતાઓ વધી છે. આ તમામ રોગ આગામી ત્રણ દિવસમાં દેખા દેવાની વાત કૃષિ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. છેલ્લા ઘણા સમયથી ઋતુ ચક્ર જાણે કે ફરી ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદ ગમે ત્યારે થાય, ઉનાળામાં અતિશય તડકો પડે તેવું આપણે જોઈ રહ્યાં છે. ત્યારે હાલ રવિ પાક લેવા માટે ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા ૫ થી ૭ સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

તે મુજબ મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ચોમાસા જેવુ વાતાવરણ થઈ ગયું હતું. આટલું જ નહીં પરંતુ જિલ્લાના પાંચેય તાલુકામાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જેથી મોરબી જિલ્લામાં રવિ પાક લેવા માટે જે ખેડૂત દ્વારા તેના ખેતરોમાં જુદાજુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં મોટાપાયે નુકશાન થયું છે. ખેડૂતોના કહેવા પ્રમાણે, ખાસ કરીને આ કમોસમી વરસાદના છાંટાને લીધે ચણાના પાકમાં જે ખારસ આવી હોય તે જતી રહી છે અને મોલ પણ ખરી ગયો છે. જેથી કરીને પાકમાં નુકસાન થશે. તેવી જ રીતે જીરૂ અને લસણમાં વધુ પડતી ઠંડી અને કમોસમી વરસાદના છાંટાના લીધે નુકસાન થશે. આવામાં પાકનું ઉત્પાદન પણ ઘટશે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં જે રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે તેમાં આ વર્ષે પણ રાબેતા મુજબ ઘઉં પછી સૌથી વધુ ચણા અને જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમાં આ કમોસમી વરસાદ અને વાતાવરણના પલટાના લીધે આ નુકસાનીનો આંકડો વધી જશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.

(8:47 pm IST)