Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સચિન GIDCની ખાડીમાં ઝેરી ગેસકાંડમાં સરકાર એક્શનમાં : અધિકારીઓ સસ્પેન્ડ:14 કોન્સ્ટેબલની શિક્ષાત્મક બદલી

ખાડીમાં ઝેરી કેમિકલ છોડવાના કારસ્તાનથી 6 નિર્દોષ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઇ ગઇ: પ્રદૂષણ માફિયાઓ સામે ચારે તરફ ફિટકાર

 

સુરત :સચિન GIDCની ખાડીમાં ઝેરી કેમિકલ છોડવાના કારસ્તાનથી 6 નિર્દોષ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઇ ગઇ હતી.પ્રદૂષણ માફિયાઓ સામે ચારે તરફ ફિટકાર વરસી રહ્યો છે, રાજ્ય સરકાર પણ આ બાબતે હરકતમાં આવી છે.

ગૃહરાજ્યમંત્રીએ સચિન જીઆઇડીસી પહોંચી ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ બેજવાબદાર અધિકારીઓ ઉપર ગાજ વરસી હતી. સચિન જીઆઇડીસી પોલીસ મથકના પી.આઇ., ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરત રિજિયના મુખ્ય અધિકારી તથા પ્રદૂષણ માફિયા સાથે સતત સંપર્કમાં રહેતા સચિન પોલીસ મથકના કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

સચિન જીઆઇડીસીમાં ભ્રષ્ટાચારના પ્રદૂષણે માઝા મૂકી છે. અનેક વ્હાઇટ કોલર માફિયાઓએ જીઆઇડીસીની ખાડીમાં કેમિકલ વેસ્ટ ઠાલવવાના કાળા કારોબારમાં હાથ કાળા કર્યા છે. પ્રદૂષણ માફિયા અને ભ્રષ્ટાચારી સરકારી બાબુઓની સાઠગાંઠને પગલે 3 દિવસ અગાઉ 6 નિર્દોષની આંખો હંમેશા માટે મિંચાઇ ગઇ હતી. આ બનાવને પગલે ભારે હડકંપ મચી ગયો છે. જવાબદારો સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. તેમને નશિયત કરવા એકસૂર માંગણી થઇ રહી છે. દોષીઓ સામે આકરા શિક્ષાત્મક પગલાં ભરવા ઊઠી રહેલા અવાજ વચ્ચે આજે રાજ્યના ગૃહમંત્રીએ સચિન જીઆઇડીસી વિસ્તારની મુલાકાત લીધી હતી.

ગૃહમંત્રીની સ્થળ સમીક્ષા બાદ તેમના અધ્યક્ષ સ્થાને એક તાકીદની બેઠક યોજાઇ હતી. લાંબા સમય સુધી ચાલેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં તમામ ઘટનાને સંબંધિત સરકારી વિભાગો, જે તે વિભાગના અધિકારીઓની કામગીરી સહિતના મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક બાદ મોડી સાંજે સચિન જીઆઇડીસી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.પી.જાડેજાને ફરજમાં ગુનાહિત બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પી.આઇ. જાડેજા ઉપરાંત પ્રદૂષણ માફિયા પ્રેમ સાગર ગુપ્તા સાથે સાઠગાંઠ ધરાવતા સચિન પોલીસ મથકના કોન્સ્ટેબલ વિક્રમ ગોવિંદ ગાંગડને સસ્પેન્શનનો ઓર્ડર હાથમાં પકડાવી દેવાયો હતો. ગાંગડ અને ગુપ્તા એકબીજા સાથે મોબાઇલ ફોનથી સતત સંપર્કમાં હોવાનો કોલ ડિટેઇલ પરથી ભાંડો ફૂટી ગયો હતો. આ ઉપરાંત પ્રદૂષણ રોકવાની જેમની ફરજ છે તેવા જીપીસીબીના રિજિયોનલ અધિકારી પરાગ દવે દ્વારા પણ ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતા તેમને પણ સસ્પેન્ડ કરતો હુકમ જાહેર થયો હતો. એક સાથે ત્રણ સરકારી કર્મચારીઓ પણ ગાજ વરસતા વ્હાઇટ કોલર પ્રદૂષણ માફિયાઓમાં સોપો પડી ગયો હતો.

સચિન જીઆઇડીસી પોલીસ મથકના પી.આઇ. જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ જાહેર થયો, તે સાથે આ પોલીસ મથકના અન્ય 14 પોલીસ કોન્સ્ટેબલોની પણ તાત્કાલિક અસરથી શિક્ષાત્કમક બદલીનો હુકમ જાહેર થયો હતો. આ પૈકી કેટલાકને પોલીસ હેડ ક્વાટર તો, કેટલાકને ટ્રાફિક વિભાગમાં મૂકી દેવામાં આવ્યા હતા. શહેર પોલીસ ડિપાર્ટમેન્ટમાં શિક્ષાત્મક ધોરણે સામૂહિક બદલીનો ગંજીપો ચિપાઇ જતાં સમગ્ર પોલીસ વર્તુળમાં ફફડાટ વ્યાયી ગયો હતો.

(12:01 am IST)