Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગુજરાત મોદી-શાહનું નહીં પણ ગાંધીજીનું છે : AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી

ગુજરાતના ભરૂચમાં પ્રથમ રેલીને સંબોધન : AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે

ભરૂચ, તા. : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાતની પરંપરાગત રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસની સાથે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સાથે લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં પ્રથમ રાજકીય સભા ગજવી છે.

અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે ભરૂચમાં બીટીપી સાથે પહેલી સભા સંબોધી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા, સાથે પૂર્વ સાંસદ અહેમદ પટેલને યાદ કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, જે એવું માને છેકે મોદી અને શાહનું ગુજરાત છે તો તે ખોટું વિચારે છે. ગુજરાત ગાંધીનું છે અને રહેશે. વંચિત સમાજને એક કરવા માટે ગુજરાત આવ્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ મામા-ભાણેજની પાર્ટી છે.

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, આજે અમે વિકલ્પ લઈને આવ્યા છે ત્યારે આદિવાસી ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે વિકલ્પ પસંદ કરો. અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોને હક આપવાનો છે. આપ અમારા માટે દુઆ કરો. દિલ્હીમાં દેશના ખેડૂતોએ નરેન્દ્ર મોદીની નિવ હલાવી નાખી છે. જે લોકોને ચૂંટીને મોકલીએ છે બહેરા થઈ જાય છે. ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ કયા સૌનો સાથ સૌનો વિકાસ અને વિશ્વાસની વાત કરે છે. તો પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે.

ગુજરાત ભારતનો હિસ્સો છે. હું ભારતનો નાગરિક છું માટે ગુજરાત આવ્યો છું. હું ભારતના કોઇપણ ખૂણામાં જઇ શકું છું. જે એવું માને છે અને વિચારે છે કે ગુજરાત મોદી અને અમિત શાહનું ગુજરાત છે તો ખોટું વિચારે છે. ગુજરાત ગાંધીનું ગુજરાત છે અને ગાંધીનું ગુજરાત રહેશે. અમિત શાહ અને મોદી ગાંધીથી મોટા નથી અને નહીં થાય. ગુજરાત છે જેણે પોતાની કાબેલિયત અને મહેનતના જોરે ભારતને મજબૂત કર્યું છે. હું ભલે જુબાનનો ગંદો છું પણ વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો છું. સભામાં અસદુદ્દીન ઓવૈસીએ જાહેર મંચ પરથી અહમદ પટેલને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે અહમદ પટેલ માટે દુઆ કરી છે, તેઓ સાથે મારા સારા સંબંધ હતા. તેમણે કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ- ભાજપ મામા ભાણેજની પાર્ટી છે. કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા, લોકો પહેલાથી ભાજપ સાથે સંપર્કમાં હતા. અમારી પાર્ટીનું એક માત્ર લક્ષ્ય છે કે પોલિટિકલ વેક્યુમને પૂર્ણ કરવો. છોટુ વસાવાનું એક્નાઉન્ટર કરવા ઓર્ડર નીકળેલા પણ લોકોએ સાથ છોડ્યો.

(9:49 pm IST)