Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું આપ્યું

બહેરામપુરા વોર્ડમાં ટિકિટ ફાળવણીને લઈને નારાજ : બહેરામપુર વોર્ડની ચૂંટણી માટે પક્ષ દ્વારા પહેલેથી ચાર ઉમેદવારોને મેન્ડેટ અપાયા છે ત્યારે અન્ય નામો શા માટે

અમદાવાદ,તા. : રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના પડઘમ વાગતાની સાથે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ટિકિટ ફાળવણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કેટલીક જગ્યાએ નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસમાં તો મામલે વધુ મોટો ભડકો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો આપતા ખાડિયા-બહેરામપુરા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ટિકિટ વહેંચણી મામલે નારાજગી દર્શાવી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા હતા. જોકે, પક્ષે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ દ્વારા બહેરામપુરા વોર્ડમાં કરાયેલી ટિકિટ ફાળવણીને લઈને નારાજ છે. ખેડાવાલએ જણાવ્યું કે, બહેરામપુર વોર્ડની ચૂંટણી માટે પક્ષ દ્વારા પહેલેથી ચાર ઉમેદવારોને મેન્ડેટ અપાયા છે.

ત્યારે સિવાય બીજા બે ઉમેદવારોને પણ મેન્ડેટ આપાયા તે અયોગ્ય છે. તેમણે કહ્યું કે, તેમના કાર્યકરોને ન્યાય અપાવવા તેમણે હાઈકમાન્ડને રજૂઆત કરી છે. ખેડાવાલાએ કહ્યું કે, મેં હાઈકમાન્ડને મારી નારાજગી દર્શાવી છે. પ્રદેશ અધ્યક્ષ અને મોટા આગેવાનો સાથે મારે વાત થઈ છે. મેં રજૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં સારો માહોલ છે. અમદાવામાં સત્તા મળે તેવો માહોલ છે, ત્યારે મેન્ડેટ બદલી નાખવામાં આવે તે યોગ્ય નથી. તેમણે પૂછ્યું કે, 'ચાર લોકોએ ફોર્મ ભરી લીધા હતા અને પાછળથી કોના ઈશારે મેન્ડેટ ઈશ્યુ કરવામાં આવ્યા? ફોર્મ પાછા ખેંચાતા હું રાજીનામું આપું છું. જોકે, અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ખેડાવાલા કોર્પોરેટરમાંથી ધારાસભ્ય પદ સુધી પહોંચ્યા છે.

૨૦૧૦માં તેમણે જમાલપુર વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણી જીતી હતી. ૨૦૧૫માં વિવાદ થતા તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ૨૦૧૭માં તેઓ જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. ખાડિયાની બેઠક ૧૯૮૦થી ભાજપનો ગઢ હતી અને ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની તે પરંપરાગત બેઠક બની ગઈ હતી. ૨૦૧૨માં નવા સીમાંકનમાં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવાઈ હતી.

(7:41 pm IST)