Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

નારાજ કાર્યકરો, બાગીઓ અને હરીફોની લેખિત માહિતી માંગતો ભાજપ

પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લા ખેડૂતોને કોષ્‍ટક સાથેના પત્રો મોકલાયા : જ્ઞાતિના સમીકરણો અને અન્‍ય માહિતી પણ માંગી

રાજકોટ તા. ૮ : રાજ્‍યમાં તાલુકા - જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ દ્વારા નવા માપદંડો સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા તમામ શહેરી - જિલ્લા પ્રમુખો પાસે માહિતી માંગતા કોષ્‍ટક મોકલવામાં આવ્‍યા છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં આટલી બારીકાઇથી માહિતી પ્રથમ વખત એકત્ર કરવામાં આવી રહી છે.

ભાજપના ઉમેદવાર પસંદગી બાદ નારાજ થયેલા કાર્યકરોનો મત વિસ્‍તાર, કાર્યકરનું નામ, ભાજપથી નારાજ થઇને રાજીનામા આપનાર કાર્યકરોની પક્ષમાં જવાબદારી બળવો કરનારા કાર્યકરોના નામ અને પાર્ટીમાં જવાબદારી, અન્‍ય પાર્ટીમાંથી ફોર્મ ભરનારા ઉમેદવારોના નામ અને પાર્ટીનું નામ વગેરે સંપૂર્ણ વિગત સાથે ફોર્મ ભરીને પ્રદેશને મોકલવાનું છે. વર્ષ ૨૦૧૫ની ચૂંટણી અને તેના પરિણામને લગતી કેટલીક માહિતી પણ માંગવામાં આવી છે. કેટલાક ઉમેદવારો રીપીટ થયા, ૬૦ વર્ષની વયમર્યાદા અને ૩ ટર્મના માપદંડના કારણે કેટલા દાવેદારો આઉટ થઇ ગયા, કેટલા હોદ્દેદારો ચૂંટણી લડી રહ્યા છે ? વગેરે માહિતી પણ માંગવામાં આવી છે.

ભાજપ દ્વારા સમગ્ર રાજ્‍યમાંથી આ પ્રકારની માહિતી માંગીને જરૂર પડયે ખરાઇ કરાવવામાં આવશે. આ નવતર પ્રયોગ ચર્ચાની એરણે છે.

(1:35 pm IST)