Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમદાવાદ મનપાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ :દરિયાપુર અને શાહીબાગમાં 3 અપક્ષોના ફોર્મ રદ થયાં

ઠક્કરનગર અને સરદારનગરના કોગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ભૂલ આવતાં દોડધામ : કલેકટર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના ઉમેદવાર પહોંચ્યા

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ દેખાતાં જ કોંગ્રેસના લીગલ સેલના આગેવાનો દોડતા થઈ ગયાં ઠક્કરનગર અને સરદારનગરના કોંગી ઉમેદવારોના ફોર્મમાં ભૂલ દેખાતાં કોંગ્રેસમાં દોડધામ શરુ થઈ રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જેની આજે ચકાસણી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કલેક્ટર કચેરી સહિતના સેન્ટરો પર ફોર્મની ચકાસણી શરુ કરવામાં આવી છે.

જે ઉમેદવારોના ફોર્મ યોગ્ય ઠરશે તે જ ઉમેદવારો ચૂંટણી લડી શકશે. બીજી બાજુ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ઉમેદવારી કરનારા ઉમેદવારોના ફોર્મ માન્ય થયા છે કે નહીં તે જોવા માટે પહોંચ્યા હતાં. જેમાં અત્યાર સુધીમાં 3 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયાં હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલ અને વકિલોની દોડધામ શરૂ થઈ ગઈ છે. જ્યારે ભાજપના પણ લીગલસેલના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચી ગયાં હતાં.

 

કોંગ્રેસના ઠક્કરનગર અને સરદારનગરના ઉમેદવારોના ફોર્મમાં ભૂલ આવતાં કોંગ્રેસના લીગલ સેલના આગેવાનોએ દોડધામ શરુ કરી દીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના દિનેશ પરમારના સોગંધનામામાં ભૂલ હોવાને કારણે તેમનું ફોર્મ અટવાયું છે. તે ઉપરાંત સરદારનગરના કોંગી ઉમેદવાર દેવલબેન રાઠોડના ફોર્મમાં ટેકેદારની સહી બાકી રહેતાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. બંને ઉમેદવારોના ફોર્મને માન્ય રાખવા માટે રજુઆતો કરવામાં આવી છે.

 

અમદાવાદ કલેકટર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના ઉમેદવાર પહોંચ્યા છે.ઉમેદવાર પોતાના ફોર્મ માન્ય રખાયું છે કે નહીં તે ચકાસવા માટે આવ્યા છે.આ સમગ્ર પ્રક્રિયામાં ઉમેદવારના ફોર્મમાં ક્ષતિ જણાશે તેવા ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ શકે છે. ઉમેદવારોની હાજરીમાં ઉમેદવારીપત્ર તપાસવામાં આવી રહ્યા છે. જ્યારે ઉમેદવારને ખૂટતા દસ્તાવેજ અને અપૂરતા દસ્તાવેજ રજૂ કરવાનો મોકો આપવામાં આવશે. સમયસર ઉચિત દસ્તાવેજ રજૂ નહિ થાય તો ઉમેદવારોનું ફોર્મ રદ્દ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં અસારવા અને શાહીબાગના ભાજપના ઉમેદવારો ફોર્મ ચકાસણીમાં પાસ થયા છે. 8 ઉમેદવારોની ચકાસણીમાં કોઈ ખામી નહિ હોવાનું ધારાસભ્ય પ્રદિપ પરમારે જણાવ્યું હતું. જમાલપુર, દરિયાપુર, ખાડિયા વોર્ડના ભાજપ અને કોંગ્રેસ પક્ષના તમામ 8 ઉમેદવારના ફોર્મની ચકાસણીમાં કોઈ વાંધો ન આવતાં ઉમેદવારી ફાઈનલ થઈ ગઈ છે. જ્યારે દરિયાપુર અને શાહીબાગમાં ત્રણ ફોર્મ રદ થયા છે.

(2:07 pm IST)