Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીમાં હાર્દિક પટેલના સમર્થકો નહિવત?

ર૦૧પ ની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનનો કોંગ્રેસને લાભ મળ્યો'તો

રાજકોટ, તા. ૮ : મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મૂરતિયાઓની પસંદગીમાં કોંગ્રેસમાં નેતાઓએ ટીકીટોની વહેંચણીમાં જે ઉલાળીયો કર્યો છે. તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસમાં આવેલા હાર્દિક પટેલેના સાથીઓને આબાદ રીતે ટિકીટોમાં બાકાત નખાયાની ભારે ચર્ચા છે.

એવું કહેવાય છે કે સુરતમાં ચોક્કસ ગ્રુપનો પણ હાથ ઉંચો રહ્યો છે. અને હાર્દિક પટેલના સાથી તરીકે રહેલા યુવાનોને ટીકીટોને કાપી નાંખવામાં આવી હતી. સુરત જ નહીં પણ અમદાવાદ, વડોદરા અને રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ હાર્દિકને ટીકીટોની વહેંચણીમાં કોઇ ખાસ મહત્વ ન અપાયાની લાગણી કોંગ્રેસીઓમાં જન્મી રહી છે.

પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ હાર્દિકને કોના ઈશારે ટીકીટોની વહેંચણીમાં શોભાનો ગાંઠીયો બનાવી દીધો એની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. ૨૦૧૫મી મહાનગર પાલિકાની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનનો કોંગ્રેસને લાભ મળ્યો હતો પણ હવે હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી પાંખો કાપી નાંખીને ટીકીટોની વહેંચણીમાં અંધારામાં રાખવામાં આવ્યાના આક્ષેપ પણ થઇ રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસના સંગઠનને ધમધમતું કરવા માટે લાગલગાટ જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને તેના કારણે કોંગ્રેસમાં નવા પ્રકારની ચેતના આવી રહી છે. કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે કે ટીકીટોની વહેંચણીમાં આખરી નિર્ણય ભરતસિંહ સોલંકીનો રહ્યો હતો. ભરતસિંહ સોલંકીના હાથમાં ગુજરાત કોંગ્રેસનું રિમોટ હોવાની પણ ચર્ચા કોંગ્રેસીઓ કરી રહ્યા છે.

(3:25 pm IST)