Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભાજપ હાથે કરીને વિવાદ ઉભો કરવા મથી રહી છે પરંતુ ભાજપના ફાયદા માટે એકપણ પાટીદાર ઉમેદવાર પોતાનું ફોર્મ પરત નહીં ખેંચેઃ નિલેશ કુંભાણીની સટાસટી

સુરત: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ વિતરણને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓમાં ધમાસાણ મચી રહ્યો છે. એવામાં પાટીદાર અનામન આંદોલન સમિતિ (PAAS)એ કોંગ્રેસની મુશ્કેલી વધી દીધી છે. કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા વાયદા પ્રમાણે ટિકિટ ના મળવાથી નારાજ પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ મેન્ડેટ મળવા છતાં સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધુ હતું. આટલું જ નહીં, અલ્પેશ કથીરિયા તરફથી કોંગ્રેસના અન્ય પાટીદારો પણ પોતાની ઉમેદવારી પરત ખેંચશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે હવે સુરતના વોર્ડ નંબર 17 પરથી કોંગ્રેસના ઉમેદવાર અને PAAS આગેવાન નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે કે, એક પણ પાટીદાર ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચે.

એક તરફ પાસના અલ્પેશ કથીરિયાનું કહેવું છે કે, કોંગ્રેસ તરફથી ટિકિટ મળી હોય તેવા 12 પાટીદાર ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી લેશે. બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું કહેવું છે કે, PAASના અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા કે હાર્દિક પટેલમાંથી કોઈનો મારા પર ઉમેદવારી પત્રક પરત ખેંચવા માટે ફોન નથી આવ્યો. ભાજપને 100 ટકા હરાવવાની છે એ ઉદ્દેશ્ય સાથે અમે કામ કરવાના છીએ. પાટીદારો પર લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા. પાટીદારો પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા. ચૂંટણી સમયે અંદરોઅંદર વિખવાદ ઉભો કરીશું, તો ભાજપ જીતશે. આથી એકજૂટ થઈને મતભેદ દૂર કરીશુ અને ભાજપને 100 ટકા જવાબ આપીશું.

નિલેશ કુંભાણીએ આરોપ લગાવતા જણાવ્યું કે, ભાજપ હાથે કરીને વિવાદ ઉભો કરવા મથી રહી છે. જેથી પાટીદારો ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લે. જેથી તેનો સીધો ફાયદો ભાજપને જ થાય. ભાજપમાં ફાયદા માટે એક પણ પાટીદાર ઉમેદવારો પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે.

જણાવી દઈએ કે, ધાર્મિક માલવિયાએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે પાર્ટી વિજય પાનસુરિયાને ટિકિટ આપશે. જો કે છેલ્લી ઘડીએ કોંગ્રેસે વચનનો ભંગ કરીને તેમનું પત્તુ કાપી નાંખ્યું. આથી ધાર્મિકે ખુદ પણ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધુ હતું. ધાર્મિકે દાવો કર્યો હતો કે, તેમના કહેવા પર કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી પત્રક દાખલ કરી ચૂકેલા 12 પાટીદાર ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચી લેશે.

આ મામલે શનિવારે મોડી રાત્રે સુરત પાસના નેતાઓની પણ બેઠક થઈ હતી. જેમાં 12 પાટીદાર ઉમેદવારોએ પોતાના નામ પરત લેવાની તૈયારી દર્શાવી હતી. જો કે હવે નિલેશ કુંભાણી કંઈક નવો જ દાવો કરી રહ્યાં છે, ત્યારે આગામી સમયમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેના મતભેદોનું શું થશે? તે તો આવનારો સમય જ બતાવશે.

(5:09 pm IST)