Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ધો.9થી 12માં ઓફલાઇન શિક્ષણ શરૂ થતા હવે ઓનલાઇન શિક્ષણ બંધ કરવા શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાને ગુજરાત રાજ્‍ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્‍કર પટેલે પત્ર પાઠવ્‍યો

અમદાવાદ: ધોરણ 9 થી 12માં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં હવે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા માગ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. સ્કૂલના ઓફલાઈન વર્ગોમાં હાજરી ફરજિયાત ના હોવાથી વિદ્યાર્થીઓ હાજરી આપવાનું ટાળી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઓનલાઈન શિક્ષણ હજુ પણ ઓફલાઈન સાથે ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં હાજરી આપતા નથી.

સ્કૂલોમાં ધોરણ 9 થી 12 ના વર્ગોમાં ઓફલાઈન અભ્યાસ કરવાના બદલે ટ્યુશન - કલાસીસને બાળકો દ્વારા વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ટ્યુશન કલાસીસને પણ ધોરણ 9 થી 12 ચલાવવાની પરવાનગી મળતા સ્કૂલના સમય દરમિયાન જ ટ્યુશન કલાસીસ ચાલતા હોવાથી સ્કૂલના ઓફલાઈન વર્ગોમાં હાજરી પર અસર પડી રહી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ પર રૂબરૂ શી કરવાની હોય છે, જેના માટે તેમણે રૂબરૂ શાળાએ જવું પડે પરંતુ તેમાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે.

રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે, મૃત્યુઆંક પર હવે જ્યારે કાબુ મેળવાયો છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે એવામાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવા મહામંડળ દ્વારા વિનંતી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ ફરીથી શાળાએ આવે અને અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન આપી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક વાલીઓ હજી પણ પોતાના સંતાનોને શાળાએ મોકલવા માંગતા નથી. તેવામાં તેઓ ઓનલાઇન શિક્ષણને જ મહત્વ આપી રહ્યા છે. જેથી શાળાઓને બંન્ને સ્તરે અભ્યાસ કરાવવો પડી રહ્યો છે.

(5:11 pm IST)