Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર અલુવામાં સીમમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 40 હજારની મતા ઉઠાવી ગયા

ગાંધીનગર: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે અલુવા ગામની સીમમાં આવેલી નિર્મિત હોમ્સ વસાહતમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે વસાહતના મકાન નં.૪પમાં રહેતા રમેશભાઈ ખેમાભાઈ પરમાર સાબરકાંઠાના પોશીના ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે અને તેઓ પોશીનામાં રહેતા હતા જયારે તેમની પત્નિ જશુબેન મકાનમાં રહેતા હતા. ગત તા. જાન્યુઆરીએ રમેશભાઈ અને તેમના પત્નિ મકાન બંધ કરીને પોશીના ખાતે રહેતા હતા તે દરમ્યાન ગઈકાલે સવારના સમયે સોસાયટીના સુપરવાઈઝરે રમેશભાઈને ફોન કરીને જાણ કરી હતી કે તેમના મકાનનું તાળું તુટેલું છે. જેના પગલે તેઓ અલુવા ખાતે પહોંચ્યા હતા અને ઘરે તપાસ કરતાં મકાનમાં મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને ઘરમાં સામાન પણ વેરવિખેર હાલતમાં હતો. તિજોરીમાંથી ચાંદીના દાગીના અને રોકડ તેમજ મોબાઈલ મળી ૪૦ હજાર ઉપરાંતની મત્તા તસ્કરો ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

(5:54 pm IST)