Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

લગ્નસરમાં ધૂમ ખરીદીએ સોના-ચાંદીના બજારમાં જોરદાર તેજી

બજેટમાં સોના-ચાંદીની ડ્યુટીમાં ઘટાડાની અસર : સોનાનો ભાવ ૫૦ હજારથી ઓછો થવાની રાહ જોઈને બેઠેલા રોકાણકારોએ આખરે ખરીદી શરૂ કરી દીધી

અમદાવાદ, તા. : કોરોનાને કારણે લાંબા સમય સુધી દેશભરમાં તમામ વેપાર ધંધા ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. લોકોની આવકમાં કાપ મૂકાઈ જતાં સોના-ચાંદી બજારમાં તો જાણે કે સાવ નિરસ માહોલ થઇ ગયો હતો. ગ્રાહકો માટે વેપારીઓને વાટ જોતા બેસી રહેવું પડે તેવી હાલત થઇ હતી. હવે સોના ચાંદીના ભાવ ઘટતા અને સોના પરની ડ્યૂટીમાં બજેટ થકી ઘટાડો થતાં ફરી એક વખત સોના-ચાંદી બજારમાં તેજી જોવા મળી રહી છે. લગ્નસરો પણ શરૂ થઇ જતા લોકોએ ધૂમ ખરીદી શરૂ કરી દીધી છે. જે રીતે સોના-ચાંદી બજારમાં લોકો ખરીદી કરી રહ્યા છે તે જોતા મંદીની વાત ભૂતકાળ બની ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી સોની બજારમાં મંદી રહેતા વેપારીઓ નિરાશ થઇ ગયા હતા. ચાલુ વર્ષે નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં સોના પરની ડ્યૂટીમાં લગભગ અઢી ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હવે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ સોના પર પહેલી પસંદગી ઉતારી રહ્યા છે. સોનાનો ભાવ ૫૦ હજારથી ઓછો થવાની રાહ જોતા બેઠેલા ઇન્વેસ્ટરોએ ખરીદી શરૂ કરી દીધી છે. હવે લગ્નસરો પણ પૂરજોશમાં શરૂ થઈ જતાં તેના અનુસંધાનમાં પણ ખરીદી શરૂ થઈ ગઈ છે. કોરોનાને કારણે ગયું વર્ષ આખું ધામધૂમથી લગ્ન થઈ શક્યા નથી. જેને પગલે ચાલુ વર્ષે લગ્ન ધામધૂમથી કરવા માટે પણ સારી એવી ખરીદી થઇ રહી છે. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ખાસ્સો ઘટાડો થતાં લોકોએ ચાંદીની પણ ખરીદી રોકાણ માટે કરવાની શરૂઆત કરી દીધી છે. આમ સોના-ચાંદી બજારમાં છેલ્લા ઘણા લાંબા સમય બાદ તેજી જોવા મળી રહી છે.

સોની બજારના વેપારીઓના જણાવ્યા મુજબ જ્યારે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હતા ત્યારે લોકો સોનું ખરીદવાના બદલે વેચવા માટે આવતા હતા. લોકોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઇ ગઇ હોવાથી ખરીદી કરવાની જગ્યા નહોતી. જેને પગલે બજારમાં ભારે નિરાશા શરૂ થઈ ગઈ હતી. સોના-ચાંદી બજારને બેઠા થતા ઘણો સમય થશે તેમ વેપારીઓ માનવા લાગ્યા હતા. બજેટની અસર અને સોનામાં વૈશ્વિક ભાવ ઘટાડો થતાં ફરીથી સોની બજારમાં તેજી આવી ગઈ છે. એસોસિએશનના જણાવ્યા મુજબ જે રીતે બજારમાં ખરીદી શરૂ થઈ છે તે જોતા હવે મંદીનો માહોલ જાણે કે ભૂતકાળ બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

(7:40 pm IST)