Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગાંધીનગરમાં રોફ જમાવી નકલી પોલીસે ૧ લાખ ઝૂંટવ્યા

રાજ્યમાં ફરી નકલી પોલીસ સક્રિય : બે ઇસમોએ માસ્ક ન પહેરવા બાબતે એક વ્યક્તિને અટકાવીને તેની પાસે રહેલા ૧ લાખ પડાવી ભાગી છૂટ્યા

ગાંધીનગર,તા.૮ : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ બનીને લોકો પર રોફ જમાવીને લૂંટવાનો રીતસર લૂંટવાનો ધંધો ખૂબ જ જામ્યો છે. જુદા જુદા શહેરોમાંથી છેલ્લા થોડા દિવસથી આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. જેમાં ક્યાંક પોલીસ તો ક્યાંક ગ્રાહક સુરક્ષા વિભાગના અધિકારી બનીને લોકોને ધાકધમકી અને રોફ દેખાડીને લૂંટવામાં આવી રહી છે. તાજેતરમાં આવો જ વધુ એક કિસ્સો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બન્યો છે જેમાં નકલી પોલીસ બનીને બે અજાણ્યા ઇસમોએ માસ્ક ન પહેરવા બાબતે એક વ્યક્તિને અટકાવીને તેની પાસે રહેલા રુ. ૧ લાખ પડાવી ભાગી છૂટ્યા હતા. ગાંધીનગરમાં વધેલી લૂંટની ઘટનાઓ વચ્ચે કોબા પાસે ૧ લાખની લૂંટની ઘટના બની છે. છૂટક મજૂરી અને સેન્ટીંગનું કામ કરતાં ૩૦ વર્ષીય યુવક શૈલેષ જેતાભાઈ રાઠોડે (મૂળ-દાહોદ) આ અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ઘટના ૩ ફેબ્રુઆરીની છે તે દિવસે યુવક પર કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો જેમાં તેઓ દાહોદ હોવાથી કાગીગરો-મજૂરોના પગારના પૈસા સાઈડ પરથી લઈને બેંકમાં જમા કરાવવાનું કહ્યું હતું. જેને પગલે નવા કોબા કે રાહેજા રોડ પરથી ચાલતો કુડાસણ ગયો હતો જોકે, બેંક બંધ થઈ ગઈ હોવાથી તે પરત ફર્યો હતો. કોબા સાર્થક હેવન સોસાયટી પાસે યુવક સાંજે સાડા પાંચ વાગ્યે પહોંચ્યો ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. પોલીસની સ્ટાઈલમાં તે 'માસ્ક કેમ પહેરેલ નથી ચલ મારા સાહેબ જોડેલ્લ કહીં યુવકને ટુ વ્હીલર લઈને ઉભેલા શખ્સ પાસે લઈ ગયો હતો. જેણે યુવકનું આઈડી પ્રુફ માંગતા તેણે આધારકાર્ડ અને પાનકાર્ડ આપ્યા હતા. યુવકે સાઈડ ઈન્ચાર્જ સાથે આ મુદ્દે ફોન પર વાત કરતો હતો ત્યારે એક શખ્સે યુવકના ખીસ્સામાંથી બળજબરી પૂર્વક કાઢી લીધા હતા. જે બાદ બંને શખ્સો ટુ વ્હીલર લઈને ભાગી ગયા હતા, યુવકે આ અંગે જાણ કરતાં સાઈડ પરથી એક માણસ એક્ટિવા લઈને આવ્યો હતો. જેની મદદથી યુવકે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બંને શખ્સો મળ્યા ન હતા. સાઈડ ઈન્ચાર્જ બહારગામ હોવાથી યુવકે તે સમયે ફરિયાદ કરી ન હતી જોકે ઘટના ચોથા દિવસે શ્રમિક યુવકે સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.

(8:45 pm IST)