Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાજય સરકારના તમામ પોલીસ કર્મચારીઓને છેલ્લાં 9 દિવસમાં 1.32 લાખ વેક્સિન અપાઇ

આગામી બેથી ત્રણ દિવસમાં તમામ કર્મચારીઓને વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરાશે

અમદાવાદ : રાજયના તમામ જિલ્લા-શહેરમાં આ અંગેની પ્રક્રિયા હજુ ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 1.32 લાખથી વધુ પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. જેમાં 81 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ, 22 હજાર હોમગાર્ડ, 22 હજાર જેટલાં ગ્રામ રક્ષક દળ અને 4 હજાર જેટલા ટી.આર.બી.ના જવાનોનો સમાવેશ થાય છે

રાજય સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાદ કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેના સંદર્ભમાં 31મી જાન્યુઆરીથી રાજયના તમામ પોલીસ કર્મચારીઓ ઉપરાંત એસ.આર.પી. જવાનોની સાથોસાથ હોમગાર્ડ તેમ જ ગ્રામ રક્ષક દળ ઉપરાંત જેલ વિભાગના કર્મચારીઓને વેક્સિનેશન આપવામાં આવી રહી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા – શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત જેલ, સી.આઇ.ડી. ક્રાઇમ અને એસીબી જેવી ખાસ બ્રાન્ચોમાં અને એસ.આર.પી. જેવા ખાસ દળોના પોલીસ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ વેક્સિન લેવામાં કોઇ શંકા ન રાખે તે માટે વેક્સિનેશનના પ્રથમ દિવસે રાજયના પોલીસ વડા સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વેક્સિન અપાવી હતી. જેથી રાજયભરના પોલીસ કર્મચારીઓએ ઉત્સાહ બતાવીને વેકસીન લેવાનું શરૂ કર્યું હતું. આજ સુધીમાં આશરે 80 ટકા પોલીસ કર્મચારીઓનું વેક્સિનેશન થઇ ગયું છે. આગામી બેથી ત્રણ દિવસમાં તમામ કર્મચારીઓને વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે

(11:55 pm IST)