Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હાલોલ-વડોદરા બાયપાસ પર ગમખ્વાર અકસ્માત બે યુવાનોના ઘટનાસ્થળે મોત

ટોલનાકા પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા હાલોલના આનંદપુરા ગામના બે યુવાનના મોત

પંચમહાલ જિલ્લાના હાલોલ વડોદરા હાઈવે રોડ પર ટોલનાકા પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા હાલોલ તાલુકાના આનંદપુરા ગામના બે યુવાન મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. અકસ્માતની આ ઘટનામાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા યુવાનનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના આનંદપુરા ગામે રહેતા મનોજ નરવતભાઈ પરમાર ( ઉ.22 )તેમના મિત્ર અશ્વિન કનુભાઈ પરમાર (ઉ.28) આનંદપુરા ગામેથી બાઈક પર બેસીને હાલોલ વડોદરા હાઇવે રોડ પર રહીને હાલોલ તરફ આવતા હતા. દરમિયાન બપોરના સુમારે ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને તેઓની બાઈકને અચાનક ટક્કર મારતા બંને મિત્રો બાઈક સહિત રોડ પર પછડાતા આ બન્ને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મનોજ નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જયારે અશ્વિનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત જોઈ આસપાસ થી દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અશ્વિનને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અશ્વિનનું પણ કરૂણ મોત નીપજયું હતું.

બનાવ અંગેની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. સ્થળ પર મરણ થયેલ મનોજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો. જુવાનજોધ યુવાનોના ઓના મોતના પગલે આનંદપુરા ગામમાં માતમ છવાયો હતો. મનોજ અને અશ્વિનના પરિવારજનો સહિત આનંદપુરા ગામના લોકો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:59 pm IST)