Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અમદાવાદમાં મોબાઇલ ટાવરમાં એબિઆ કાર્ડની ચોરી કરીને મોબાઇલ નેટવર્ક બંધ કરનાર દિનેશ યાદવ ઝડપાયો

આરોપીએ 19 જેટલી ચોરી કર્યાની કબુલાત

અમદાવાદઃ અમદાવાદમાં મોબાઇલ ટાવરમાંથી એબિઆ કાર્ડની ચોરી કરનાર દિનેશ યાદવ ઝડપાયો છે.

મોબાઇલ ટાવરમા રહેલા એબીયા કાર્ડની ચોરી કરી મોબાઇલ ટાવરનું નેટવર્ક બંધ કરનાર આરોપીની અડાલજ પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી લાખોની કિંમતના બે કાર્ડ કબ્જે કરવામાં આવ્યા છે, તો બીજી તરફ આરોપીએ 19 જેટલા ટાવરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેથી પોલીસ આ કાર્ડનો ઉપયોગ ક્યાં થતો હતો અને કોણ ચોરી કરેલા કાર્ડ ખરીદે છે તેની તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર ની અડાલજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિનેશ યાદવ છે. જે ખાનગી કંપનીઓના મોબાઇલ ટાવરમાં રહેલા એબિયા કાર્ડની ચોરી કરતો હતો. ગઈકાલે તેણે આવા જ એક ટાવરમાં ચોરી કરી હતી. જોકે ચોરી કરેલા એબિયા કાર્ડ તે અન્ય ને વહેચે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી લાખ્ખોની કિંમતના બે કાર્ડ કબ્જે કર્યા છે. સાથે જ આરોપી એ આ પ્રકારની 19 જેટલી ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

ઝડપાયેલા આરોપી દિનેશ યાદવ ટેલિકોમ કંપનીમાં ટેક્નિશિયન તરીકે કામ કરે છે, માટે એબિયા કાર્ડ અને તેના ઉપયોગ વિશે તે માહિતગાર હતો. તેને ખ્યાલ હતો કે કાર્ડ ચોર્યા બાદ તે ટાવરની 4g અને 5G સેવા બંધ થઈ જશે. સાથે જ ચોરી કરેલુ કાર્ડ અન્ય જગ્યાએ પણ ઉપયોગમાં લઇ શકાય છે. તેથી જ તેણે થોડા સમયમાં 19 જેટલી ચોરી કરી હતી અને કાર્ડ વેચવા માટે સંજય નામના યુવકનો સંપર્ક પણ કર્યો હતો.

આરોપી દિનેશ યાદવની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, મોબાઈલ ટાવરમાં ચોરી કરવી સરળ વાત હતી. કારણ કે મોટાભાગના ટાવરમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે સીસીટીવી કેમેરા હોતા નથી. જેથી લાખો રૂપિયાના કાર્ડ ચોરી કરી સસ્તા ભાવે વેચી રોકડી કરી લેવાના ફિરાકમાં હતો. પરંતુ પોલીસની સતર્કતાથી તે ઝડપાઈ ગયો. આરોપીએ માત્ર અડાલજ જ નહિ પણ વટવામાં પણ આ જ રીતે ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે.

(5:16 pm IST)