Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

દેશ વિદેશના ડેલિગેટ્સ રિક્ષામાં ફર્યા :સિદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાની લીધી મુલાકાત : લો-ગાર્ડન ખાતે ટ્રેડિશનલ ડ્રેસની ખરીદી કરી

આગમનના દિવસે ડેલિગેટ્સ શહેરની મુલાકાત લઈને અમદાવાદના વાતાવરણ તથા કલ્ચર સાથે ઓતપ્રોત થયા: ડેલિગેટ્સે અડાલજની વાવની પણ મુલાકાત લીધી

 
અમદાવાદ : ભારતમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે. મંગળવારથી દેશ વિદેશના ડેલિગેટ્સનું આગમન શરૂ થઈ ગયું છે. 35થી વધુ વિવિધ દેશના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન વખતે ડેલિગેટ્સનું પરંપરાગત ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યાં હતા. ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા
 

તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૃચ્છા પણ કરી હતી. તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે એ વિશે જાણકારી મેળવી હતી. તેમણે જ્યારે જણાવવામાં આવ્યું કે લો-ગાર્ડન ખાતેના બજારમાં ટ્રેડિનશલ ડ્રેસ મળે છે ત્યારે ઇન્ડોનેશિયાના જૂથે બાદમાં લો-ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી.

વિદેશી ડેલિગેટ્સને તાજ સ્કાયલાઇન હોટેલ ખાતે રોકાણ અપાયું છે. બુધવારે ચેક-ઇન બાદ વિવિધ દેશના ડેલિગેટ્સે પોતાની રીતે ઑટો રિક્ષામાં બેસીને અમદાવાદની સહેલ કરી હતી. જાકાર્તાથી આવેલા પ્રતિનિધિમંડળના ડો.શ્રી હારાયતી, ફેરી વિબો સુગીહાર્તો સહિતના સભ્યોએ બાદમાં લો-ગાર્ડન ખાતે પરંપરાગત ગુજરાતી ડ્રેસની ખરીદી કરી હતી તથા સિદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાની મુલાકાત લીધી હતી. અર્બન-20 બેઠકના ભાગરુપ ગુરુ અને શુક્રવારે બે દિવસ ગંભીર ચર્ચાઓ થશે ત્યારે એ પહેલા શહેરમાં આગમનના દિવસે ડેલિગેટ્સ શહેરની મુલાકાત લઈને અમદાવાદના વાતાવરણ તથા કલ્ચર સાથે ઓતપ્રોત થયા હતા.

બુધવારે સાંજે જ ડેલિગેટ્સે અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. અર્બન-20 બેઠકની પ્રાથમિકતાઓમાં જળ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે ત્યારે સેંકડો વર્ષ જૂની અડાલજની વાવની મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે અર્બન-20 બેઠકમાં બાર્સેલોના, સાઓ પાઓલો, મિલાન, બ્યુએનોસ એરિસ, ડર્બન, પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રીડ,ટોકિયો, ઇઝમીર,જાકાર્તા, લોસ એન્જેલસ, મેક્સિકો સિટી, ન્યૂયોર્ક, રિયાધ, ક્વિટો, સાઉથ ઢાકા, પોર્ટ લુઇસ સહિતના શહેરોના પ્રતિનિધિઓ સામેલ થશે. સાથે જ ક્લાઇમેટ 40 (C-40) ગ્રુપના વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.

 

(6:15 pm IST)