Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

છત્તીસગઢના બીજાપુર તથા સૂક્માના જંગલોમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા 24 જાંબાઝ જવાનોને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અશ્રુભીની આંખે અર્પણ કરી શ્રદ્ધાંજલિ...

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર તથા સૂકમામાં શનિવારે નક્સલીઓએ 700 કરતા પણ વધારે જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. બીજાપુરના એસપીએ જણાવ્યું કે, નક્સલીઓ સાથે થયેલી આ અથડામણમાં 24 જવાન શહીદ થયા છે અને અનેક જવાન લાપતા છે. નક્સલીઓએ બે ડઝન કરતા પણ વધારે સુરક્ષાકર્મીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા છે.

સુરક્ષા દળોને જોનાગુડાની પહાડીઓ પર નક્સલીઓએ ડેરો જમાવ્યો હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે બીજાપુર અને સુક્મા જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના સંયુક્ત દળના નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત 2,000 જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ શનિવારે નક્સલીઓએ તર્રેમ વિસ્તારની જોનાગુડા પહાડી પાસે 700 જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. નક્સલીઓએ જવાનોને 3 દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા હતા. આશરે 3 કલાક ચાલેલી અથડામણમાં 15 નક્સલી ઠાર મરાયા હતા. આ હુમલામાં 24 જવાન શહીદ થયા છે અને 31 કરતા પણ વધારે ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જાણવા મળ્યું કે, એક કિલોમિટરના વિસ્તારમાં કેટલીય જગ્યાએ જવાનોના મૃતદેહો પડ્યા હતા. જેનો કબજો ઘટનાસ્થળે પહોંચેલી એટીએફની ટીમે મેળવ્યો છે.

ગત કેટલાંક વર્ષોમાં છતીસગઢમાં થયેલો માઓવાદીઓનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે.

છત્તીસગઢના બીજાપુર તથા સૂક્માના જંગલોમાં નક્સલી હુમલામાં શહીદ થયેલા 24 જાંબાઝ જવાનોને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, પૂજનીય સંતો તથા ઓનલાઇન દેશ-વિદેશના હરિભક્તોએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભારત હંમેશા વીરો અને તેમના પરિવારોનો આભારી રહેશે, જેમણે માતૃભૂમિની સંપ્રભુતા અને અંખડતા માટે બલિદાન આપ્યું.

 

(11:02 am IST)