Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

૩ સ્મશાન ગ્રૃહોમાં એકધારા આવે છે મૃતદેહો

સુરતમાં સ્મશાન ગૃહોમાં રાઉન્ડ ધ કલોક અંતિમ વિધિઃ ૧ જ જગ્યાએ ૬૦ થી વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર

સુરત, તા.૮: સુરતમાં કોરોના  સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. શહેરના મુખ્ય ૩ સ્મશાન ગૃહો સતત ચાલુ રહ્યા હતા. પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ કલોક અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી છે.

આખી રાત જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમીમાં શબવાહીની લાઇન લાગેલી રહી હતી. એક જ દિવસમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં ૬૦ થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા હતા જયારે વહેલી સવારે શબવાહીનીની લાંબી લાઇનનો વીડિઓ  વાયરલ થયો હતો. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહો ના અંતિમવિધિ માટે ગેસ ની ૩ ભઠ્ઠી અનામત રખાઈ છે. કુરુક્ષેત્ર ઉપરાંત અશ્વિનિકુમાર સ્મશાન ભૂમિ અને રામનાથ દ્યેલા સ્મશાન ભૂમિમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૬૨૦ લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજયમાં હાલ ૧૭૫ લોકો વેન્ટિલેટર પર છે. એકિટવ કેસનો આંકડો ૧૮૬૮૪ પર પહોંચ્યો છે.

નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજયમાં ૨૦૦-૩૦૦ કેસથી થઇ હતી, તો એકિટવ કેસનો આંકડો પણ ૧૦૦૦ આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજયમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચકયું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજયના સૌથી વધુ ૮૦૪ કેસ અને ગ્રામ્યમાં ૧૯ નવા કેસ નોંધાયા છે. જયારે સુરત શહેરમાં ૬૨૧ નવા કેસ, જયારે સુરત ગ્રામ્યમાં ૧૯૮ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૩૫૧ કેસ, જયારે ગ્રામ્યમાં ૧૦૬ કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં ૩૯૫ કેસ અને ગ્રામ્યમાં ૯૫ કેસ નોંધાયા છે.

(11:38 am IST)