Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોના સંક્રમણ અટકાવવા ગુજરાત સરકાર એલર્ટઃ રૂા.1માં નાગરિકોને માસ્‍ક મળશેઃ અમુલ પાર્લર ઉપર વિતરણની વ્‍યવસ્‍થા

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા રાજ્ય સરકાર એલર્ટ થઇ ગઇ છે. રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા માટે બધા નાગરિકો માસ્ક ફરજિયાત પહેરે તે માટે કવાયત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર માત્ર 1 રૂપિયામાં નાગરિકોને માસ્ક આપશે. આ માસ્ક અમૂલ પાર્લર પર પણ મળશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, માસ્ક પહેરવાની ગુજરાત સરકારે તમામ નાગરિકને વિનંતી કરી છે, તેમાં એક રૂપિયામાં થ્રિ લેયર માસ્ક આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે. નગરપાલિકા, માર્કેટ કમિટી, ખેતી બજાર સમિતીઓને પણ પત્ર લખીને એક રૂપિયામાં માસ્ક વહેચવા માટે કહેવામાં આવ્યુ છે. એક રૂપિયામાં આ માસ્ક બધાને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમુલના પાર્લર પર પણ નાગરિક એક રૂપિયામાં થ્રી લેયર માસ્ક ખરીદી શકે છે, આરોગ્યની દ્રષ્ટીએ આ માસ્ક ઉપયોગી છે. નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, સાદુ કપડુ કે સાદો રૂમાલ બાંધવો તેના કરતા થ્રી લેયર માસ્ક સુરક્ષા આપે છે તે ખરીદવો વધુ જરૂરી છે. નાગરિકો જેમણે જરૂર હોય તે પણ એક રૂપિયામાં માસ્ક ખરીદી શકે છે. નીતિન પટેલે કહ્યુ કે, અમારો હેતુ એક જ છે કે કોઇ પણ નાગરિક માસ્ક વગર ના ફરે, તેને સંક્રમણનો ડર ના રહે. એક રૂપિયાનો માસ્ક પહેરો જેને કારણે એક હજાર રૂપિયાનો દંડ ના ભરવો પડે.

CM રૂપાણીએ પણ માસ્કને લઇને કરી હતી અપીલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા અપીલ કરતા કહ્યુ કે, હાલ આ માસ્ક અને વેક્સિન એ બે જ ઇલાજ આપણી પાસે ઉપલબ્ધ છે. સાથે સાથે નાગરિકોને સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂર વગર ઘરની બહાર નહી નીકળવા અને જાહેર જગ્યાએ વધુ પડતા એકઠા નહી થવા પણ અપીલ કરી છે. CM રૂપાણીએ કહ્યુ કે માસ્ક પહેરનારા 98 ટકા લોકો કોરોનાથી બચી જાય છે.

(5:12 pm IST)