Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વડોદરાના માંડવી નજીક એટીએમમાં મદદ કરવાના બહાને ઘુસેલ ગઠિયો કાર્ડ બદલી 20 રફુચક્કર થઇ જતા ગુનો દાખલ

વડોદરા : માંડવી પાસે એસબીઆઇની મેન બ્રાંચના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવાનને મદદ કરવાના બહાને તેનું એટીએમ કાર્ડ બદલી નાંખી અન્ય એટીએમમાંથી રોકડા ઉપાડી ભેજાબાજે ઠગાઇ કરતા પોલીસે તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે માંડવી વિસ્તારમાં આવેલી રાજપુરાનીપોળમાં રહેતો કરીમ ફકરુભાઇ બબચી મંગળબજારમાં આવેલી દુકાનમાં નોકરી કરે છે. તેનું બેંક એકાઉન્ટ એસબીઆઇમાં હોવાથી તા.૨૮ના રોજ બપોરે તે એસબીઆઇની માંડવી ખાતેની મેઇન બ્રાંચના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. એટીએમમાં કાર્ડ નાંખવા છતા પૈસા નહી નીકળતા કરીમની પાછળ ઉભેલા એક બટકા છોકરાએ જણાવેલ કે ઓટીપી આવશે પછી પૈસા નીકળશે.

અજાણ્યા શખ્સે કરીમનું કાર્ડ એટીએમમાંથી ખેંચી કાઢી અને લાવો હું પૈસા કાઢી આપું તેમ કહી મદદ કરવાના બહાને એટીએમનો પીન નંબર જોઇ લીધો હતો અને નજર ચૂકવી એટીએમ કાર્ડ પણ બદલી નાંખ્યું હતું. થોડી મિનિટો બાદ કરીમના મોબાઇલ પર બે મેસેજ આવ્યા હતા જેમાં તેના ખાતામાંથી રૃા.૨૦ હજાર ડેબિટ થઇ ગયા  હોવાનું જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કરીમે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે એટીએમના નામે ઠગાઇ કરનાર એક શંકાસ્પદ ઠગને ઝડપી પાડયો છે જેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

(5:19 pm IST)