Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

શહેરની કેટલીક સ્કૂલો દ્વારા એપ્રિલમાં જ વાર્ષિક પરીક્ષા

કોરોનાના કેસમાં ભારે ઉછાળાથી શાળા-કોલેજો બંધ : સરકાર દ્વારા હાલ પ્રાથમિક વિભાગમાં માસ પ્રમોશન આપવું કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

ગાંધીનગર, તા. : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. મળી રહેલી માહિતી મુજબ, અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલોએ એપ્રિલ મહિનામાં વાર્ષિક પરીક્ષાનું આયોજન કર્યું છે. શાળાઓ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લઈને વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાથમિક વિભાગમાં માસ પ્રમોશન આપવું કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે કેટલીક શાળાઓએ વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર કેટલીક સ્કૂલોએ એપ્રિલના મધ્યમાં પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં રોજેરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. પરિણામે રાજ્ય સરકારે ધોરણ ૧થી૯ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ મહાનગરપાલિકાઓ સિવાયના વિસ્તારમાં ધોરણ ૧૦થી૧૨ના પ્રત્યક્ષ વર્ગો ચાલુ છે. આમ ફરી એકવાર કોરોનાનું સંકટ વિદ્યાર્થીઓના અભ્યાસમાં નડતરરૂપ બન્યું છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં નવી સૂચના અપાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો હતો. હવે કેસો નિયંત્રણમાં આવે ત્યાં સુધીમાં પરીક્ષાનો સમય આવી જતો ગોઈ શહેરની કેટલીક સ્કૂલોએ અત્યારથી વાર્ષિક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકાર દ્વારા અગાઉ જાહેરાત થઈ હતી કે બોર્ડની પરીક્ષા પૂર થયા બાદ શાળા કક્ષાની પરીક્ષાઓ યોજાશે. પરંતુ કેટલીક સ્કૂલોએ એપ્રિલમાં વાર્ષિક પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે.હાલમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હોવાથી શાળાઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઈન મોકલી આપે છે. વિદ્યાર્થીઓએ ઘરે બેસીને સવાલોના જવાબ લખ્યા પછી ઉત્તરવહી જમા કરાવવાની હોય છે. ત્યારબાદ સ્કૂલો તેની ચકાસણી કરી વિદ્યાર્થીઓને ગુણ આપશે. અગાઉના સરકારના નિયમ મુજબ પ્રાથમિક વિભાગમાં લેવાયેલી એકમ કસોટી તેમજ શાળા કક્ષાએ લેવામાં આવેલી પ્રથમ કસોટી, દ્વિતિય કસોટી અને વાર્ષિક પરીક્ષાના ગુણના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. જો કે, પરિણામ સરકારની જાહેરાત બાદ આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. વાલી મંડળ દ્વારા પણ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાની માગ કરલામાં આવી છે. જેથી સરકારની જાહેરાત બાદ પરિણામ જાહેર થઈ શકે છે.

સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, અમદાવાદની સ્કૂલો પૈકીની કેટલીક સ્કૂલો એપ્રિલના મધ્યમાં વાર્ષિક પરીક્ષા યોજી શકે છે. એપ્રિલ સુધીમાં શાળાા કક્ષાની પરીક્ષા પૂરી થયા બાદ સ્કૂલો બોર્ડની પરીક્ષાની કામગીરી કરશે. જેથી બોર્ડની પરીક્ષાની કામગીરી ચાલુ હોય તે દરમિયાન બાકીના ધોરણના વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે પહેલાથી પરીક્ષા લઈ પરિણામ તૈયાર કરી દેવાશે. જો કે, પરિણામ સરકારની જે-તે વખતની જાહેરાત બાદ જાહેર કરાશે.

(7:41 pm IST)