Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જતા તંત્ર મુંઝવણમાં

હોસ્પિટલમાં હવે ક્રિટિકલ દર્દીઓની જ સારવાર કરવામાં આવશે : હળવા લક્ષણો ધરાવતાં દર્દીઓને ઘરેજ સારવાર લેવા ડોક્ટરો દ્વારા સમજવામાં આવી રહ્યા છે

અમદાવાદ : અમદાવાદમાં હાલ કોરોના વાયરસના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે જેથી હાલ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો ફુલ થવાની તૈયારીમાં છે. જેથી હવે હોસ્પિટલમાં જે દર્દીઓને ઓક્સિજન અથવા તેમની પરિસ્થિતિ ક્રિટિકલ હશે તેવા લોકોને જ દાખલ કરવામાં આવશે. માઈલ્ડ સિમ્પ્ટમ્સ ધરાવતા દર્દીઓ તેમજ રૂમ એર પર રહી શકે તેવા દર્દીને અલગ કરીને તેમને ઘરે સારવાર લેવા માટે ડોકટર દ્વારા સમજાવાઈ રહ્યું છે. અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ફુલ થવાની તૈયારીઓમાં દેખાઈ રહી છે. જેથી હવે જે દર્દીઓ રુમ એર પર રહી શકશે તેવાને રજા આપવામાં આવશે. જો કે, હવેથી હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓની જ સારવાર કરવામાં આવશે.આ સાથે 108માં કોવિડ દર્દીઓના કોલમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એમ્બ્યુલન્સ વેઈટિંગમાં છે એવા સમયમાં હવે નવી સ્ટ્રેટેજી પ્રમાણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા કરવા માટે માઈલ્ડ સિમ્પ્ટમ્સના દર્દીઓને ઘરે જવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. એની સાથે હવે દર્દીને ઘરે જ સારવાર કરાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. હવે હોસ્પિટલમાં માત્ર ક્રિટિકલ અને ઓક્સિજનની જરૂર હોય તેમની જ સારવાર કરવામાં આવશે, એ પ્રમાણે હોસ્પિટલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં છે. ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયું બેડ આપવું એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે.

ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી 18 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે, અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા હોવાની વાત કરી હતી.

(8:08 pm IST)