Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

અમદાવાદમાં કોરોનાને તંત્ર એક્શન મોડમાં : 18 જેટલી ખાનગી હોસ્પિટલના 50 % બેડ કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર

શહેરની 18 ખાનગી હોસ્પિટલમાં 1219 બેડ વધારાયા : દર્દીઓ સ્વ-ખર્ચે કોરોનાની સારવાર કરાવી શકશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી 18 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલમાં 50 ટકા બેડ કોરોના સંક્રમિત દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે. આમ શહેરની 18 ખાનગી હોસ્પિટલમાં 1219 બેડ વધારવામાં આવ્યા છે.

આ ખાનગી હોસ્પિટલના 50% બેડ કોરોના ડેઝીગ્નેટ કર્યા, જ્યાં દર્દીઓ સ્વ-ખર્ચે કોરોનાની સારવાર કરાવી શકશે

1. ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ
2. કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણવદેવી
3. સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર
4. નારાયણા હોસ્પિટલ, રખિયાલ
5. સેવિયર હોસ્પિટલ નવરંગપુરા
6. પારેખ હોસ્પિટલ, સેટેલાઇટ
7. એશિયન બેરીયટીક, બોડકદેવ
8. સિંધુ હોસ્પિટલ, કુબેરનગર
9. સિધ્ધિ વિનાયક હોસ્પિટલ, મણિનગર
10. પુખરાજ હોસ્પિટલ, સાબરમતી
11. એવરોન હોસ્પિટલ, નારણપુરા
12. કર્ણાવતી હોસ્પિટલ, એલિસબ્રિજ
13. દેવસ્ય હોસ્પિટલ, નવાવાડજ
14. લોખંડવાલા હોસ્પિટલ, પ્રેમ દરવાજા
15. એપોલો પ્રાઈમ, બાપુનગર
16. કર્મદીપ હોસ્પિટલ, બાપુનગર
17. સેટેલાઇટ હોસ્પિટલ, સેટેલાઇટ
18. ચૌધરી હોસ્પિટલ, સૈજપુર

અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે, અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા હોવાની વાત કરી હતી.

(8:44 pm IST)