Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

અમદાવાદના જમાલપુરની શીફા હોસ્પિટલમાં ઓક્સિજન ખુટ્યું : 22 દર્દીઓની હાલત ગંભીર: તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડાયા

વધારાનો ભાવ ચૂકવવા છતાં પણ ઓક્સિજન મળી રહ્યો નથી.: કોંગી ધારાસભ્યનો આક્ષેપ

અમદાવાદમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ જોતા કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જયારે જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ શીફા હોસ્પિટલમાં આજે ઓક્સિજનની કમી હોવાના કારણે 22 દર્દીઓની હાલત ગંભીર થઈ હતી જેથી તેઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજયમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. જેથી સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. જો કે, હાલ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે હોસ્પિટલમાં બેડ નથી, રેસડેસિવીર ઈન્જેક્શન નથી, ઓક્સિજનનો જથ્થો ખૂટી ગયો છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ વચ્ચે દર્દીઓની હાલત કફોડી બની રહી છે. જેના કારણે મોતનો આંકડો પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી શીફા હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો હતો જેથી કોરોનાની સારવાર લઈ રહેલા 28 દર્દીઓમાંથી 22ની તબીયત લથડતા તેઓને તાત્કાલિક બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, શહેરમાં કૉવિડ મેનેજમેન્ટમાં સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય રહી છે. જેથી પ્રજાને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. હાલ દર્દીઓ માટે ઈન્જેકશન મળતા નથી, હોસ્પિટલમાં બેડ નથી અને હવે તો ઓક્સિજન પણ ખૂટવા લાગ્યું છે. જમાલપુર ખાતે આવેલી શિફા ખાનગી હોસ્પિટલમાં 2 દિવસથી ઓકિસજનની કમી છે. હોસ્પિટલ સંચાલકો ઓક્સિજન સપ્લાય મેળવવા માટે ઘણા પ્રયાસો પણ કરી રહ્યા છે પરતું કોઈ પણ જગ્યાએથી ઓક્સિજન મળી રહ્યું નથી. ઓફિસમાંના સાત ક્યુબિક મીટરનો મૂળ ભાવ 60 થી 70 વચ્ચે હતો જે હાલમાં કંપનીઓએ ભાવ વધારીને 285 થી 316 સુધી કરી દીધો છે. વધારાનો ભાવ ચૂકવવા છતાં પણ ઓક્સિજન મળી રહ્યો નથી. જેથી હોસ્પિટલમાં 28 દર્દીઓ એડમીટ કર્યા હતા જેમાંથી 22 દર્દીઓની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે જેથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની પણ જરૂરિયાત ઊભી થઇ છે.

(8:48 pm IST)