Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોનાગ્રસ્ત માતા-પિતા-વાલીઓના બાળકોને સંસ્થાઓ સાચવશે : યાદી જાહેર

હાઇકોર્ટમાં રિટ બાદ સમાજ સુરક્ષા વિભાગે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૯૯ સંસ્થાઓ આ સેવા આપે છે

ગાંધીનગર તા. ૮ : ગુજરાતમાં કોરોના સંક્રમિત થયેલા માતા-પિતા અને વાલીઓના બાળકોની સારસંભાળ માટે સંસ્થાઓની શુક્રવારે યાદી બહાર પડાઇ હતી. સમાજ સુરક્ષા વિભાગે રાજયના ૩૩ જિલ્લાઓમાં ૯૯ સંસ્થાઓ જાહેર કરી છે. હોસ્પિટલમાં દાખલ વાલીઓના બાળકોને રાખવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ થયા બાદ આ પગલું લેવાયું છે.

રાજયના સમાજ સુરક્ષા ખાતાએ કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં લઇને જુવેનાઇલ જસ્ટિસ એકટ ૨૦૧૫ હેઠળ નોંધાયેલી બાળ સંભાળ સંસ્થાઓ જાહેર કરી છે. આ સંસ્થામાં જે બાળકોના માતા-પિતા, વાલી કોવિડ પોઝીટીવ હોય અથવા એક વાલી પોઝીટીવ હોય અને હોસ્પિટલમાં ભરતી થયા હોય તેવા બાળકની સારસંભાળ લઇ શકે તેમ ના હોય તેવા બાળકોને જરૂરી તપાસ ચકાસણી કરાવીને બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની મંજુરી મેળવી જરૂરિયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવાનો રહેશે.

જે જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ના હોય તેમના માટે ૩૩ સંસ્થાઓમાં બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ પ્રવેશ આપવાનો રહેશે તેમ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે તાજેતરમાં જ સ્વૈચ્છક સંસ્થા દ્વારા હાઇકોર્ટમાં રીટ અરજી કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે સરકારને તત્કાલ જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.

વધુમાં સમાજ સુરક્ષા વિભાગના નિયામક તરફથી રાજયના ૩૩ સ્થળોની સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે. સંસ્થાઓને જણાવવામાં આવ્યું છે કે, સંસ્થાના અધિક્ષકનું નામ, સંસ્થાનું નામ, સરનામું, સંપર્ક નંબરની તમામ માહિતી કોવિડ હોસ્પિટલના રિસેપ્શન પાસે બોર્ડ લગાવવાનું રહેશે. જેમાં જે સંસ્થાને જાહેર કરવામાં આવી હોય તો તેની વિગત તથા ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની સંપર્કની વિગતો દર્શાવવાની રહેશે.

વધુમાં જણાવાયું છે કે, બાળકને અન્ય જિલ્લામાં મૂકવા માટે સંસ્થાના સ્ટાફે જવાનું રહેશે. છોકરીઓને તબદીલ કરવામાં સંસ્થાના મહિલા કર્મચારીએ જવાનું રહેશે. સંસ્થાના બાળકોની ખાસ કાળજી/ તકેદારી રાખવી. તેની સાથે તેમની જરૂરી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. જે બાળકો ના માતા-પિતા કોવિડ ૧૯ની મહામારીના કારણે મુત્યુ પામ્યા છે તે બાળકોની વિગતો એકત્ર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

સમાજ સુરક્ષા વિભાગ દ્રારા ૩૩ જિલ્લાઓની ૯૯ સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ત્રણ પ્રકારની સંસ્થાઓ રહેશે. જેમાં ૦થી ૬ વર્ષના બાળકો માટે, છોકરીઓ તથા છોકરાંઓ માટે અલગ અલગ સંસ્થાઓ રાખવામાં આવી છે.

(4:33 pm IST)