Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

અમદાવાદ જિલ્લાના બાવળામાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણોસર નવજાત બાળકનું મોત નીપજ્યું હોવાનો પરિવારના લોકોનો આક્ષેપ

અમદાવાદ:જીલ્લાના બાવળા ખાતે આવેલ એક ખાનગી હોસ્પીટલના ડોક્ટરની બેદરકારીના કારણે નવજાત બાળકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે ભોગ બનનાર મહિલાના પતિએ બાવળા તાલુકા હેલ્થ ઓફીસર બાવળા ખાતે રજુઆત કરી હતી અને ડોક્ટરની બેદરકારી બદલ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી જેના ભાગરૂપે બાવળા તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા ડોક્ટરની બેદરકારી અંગે ખુલાસો કરવામાં નહિં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની લેખીત જાણ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.

બાવળા તાલુકાના નવાપરા બલદાણા ખાતે રહેતા જકશીભાઈ ધીરૂભાઈ મકવાણાના પત્ની સંગીતાબેનને ડિલેવરી આવે તેમ હોય બાવળા ખાતે આવેલ ખાનગી ઓમ હ્યુમન્સ હોસ્પીટલમાં લાવવામાં આવી હતી અને ત્યાંના ડોક્ટર ઋષી શાહે નોર્મલ ડિલેવરી માટે સવાર સુધી રાહ જોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પ્રસુતાને બાળક ઉંધુ હોય સીઝેરીયન માટે રૂા.૫૦,૦૦૦ અને કોવીડ રીપોર્ટ પોઝીટીવ આવે તો વધુ રૂા.૨,૦૦,૦૦૦ જેટલો ખર્ચ થશે તેમ જણાવતાં ભોગ બનનાર જકશીભાઈ અને પ્રસુતા પત્નિ ત્રણ કલાક સુધી હોસ્પીટલમાં બેઠા રહ્યાં પરંતુ હોસ્પીટલના સ્ટાફે કોઈપણ સગવડ આપી નહિં અને અંતે રાત્રે વધુ પીડા ઉપડતાં અન્ય હોસ્પીટલે લઈ જવાતા ડિલેવરી નોર્મલ થઈ હતી જેમાં નવજાત બાળકીનો જન્મ થતાં તેને કેર હોસ્પીટલ અને ત્યારબાદ ત્યાંના ડોક્ટરે અસારવા સીવીલ હોસ્પીટલ ખાતે લઈ જવા જણાવ્યું હતું પરંતુ નવજાત બાળકીનું મોત નીપજ્યું હતું. આમ ડોક્ટર ઋષી શાહની બેદરકારી અને ડિલેવરી ન કરતાં બાળકીનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે પતિએ બાવળા તાલુકા હેલ્થ ઓફીસને રજુઆત કરી ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેના ભાગરૂપે બાવળા તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા આ મામલે ડો.ઋષી શાહને ખુલાસો કરવા નોટીસ ફટકારી છે અને જો આધાર પુરાવા સાથે ખુલાસો નહિં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.

(4:36 pm IST)