Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કપડવંજ તાલુકાના તેલનાર ગામે ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલ જોવા મળ્યું:લોકોના સ્વાસ્થ્યને જોખમ

કપડવંજ:તાલુકાના તેલનાર ગામમાં કોરોના મહામારીના રોગચાળાના સમયમાં પણ ચોતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ કપડવંજ તાલુકાના તેલનાર ગામમાં હાલમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગામમાં અસહ્ય ગંદકી ફેલાયેલી હોવાની પણ ફરિયાદો ઊઠી છે. 

ગામના આઝાદ ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કાદવકિચડ ફેલાયેલો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામના જાગ્રત નાગરિકો  દ્વારા ગ્રામ પંચાયતમાં જાણ અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરાયાં ન હોવાની બૂમરાણ મચી છે. એક તરફ નાગરિકો કોરોનાથી લડી રહ્યા છે, ત્યાં ગામમાં ફેલાયેલી ગંદકી રોગચાળાને આમંત્રણ સમાન હોવાનું લોકો ચર્ચી રહ્યા છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે જિલ્લાપંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગામમાં હોવા છતાં અને તે જ રાષ્ટ્રીય પક્ષના તાલુકાપ્રમુખ ગામના હોવા છતાં ગામમાં કોઈ કામગીરી થઈ ન હોવાથી લોકો રોષે ભરાયા છે. લોકોએ દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે જીવવું પડતું હોવાની ફરિયાદો ઊગ્ર બની છે. હાલની સ્થિતિમાં ગંદકી એ હદે ફેલાયેલી છે કે વહેલીતકે તેની સાફસફાઈ કરવામાં ન આવે તો ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી પૂરી સંભાવના હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. 

(4:44 pm IST)