Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

આજે વિશ્વ થેલેસેમિયા દિવસઃ અમદાવાદના ૨૮ વર્ષના જેકી ઠક્કરે હિંમત હાર્યા વગર બિમારી સામે લડીને જીવન બચાવ્યુ

અમદાવાદ: કોઈ પણ બીમારી તમને હરાવી નથી શકતી. જો તમારું મન મક્કમ હોય તો આવી જ એક બીમારી વિશે આજે વાત કરીશું. થેલેસેમિયા શબ્દ સાંભળતા જ મનમાં અનેક સવાલો અને ચિંતાઓ ઉભી થતી હોય છે. આજે થેલેસેમિયા દિવસ છે અને આજે આપણે એવા દર્દીઓ વિશે વાત કરીશું જેમનું જીવન જ લોહી છે. જેમને 15 દિવસના અંતરે લોહી ચડાવવું પડે છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પણ તેઓ હિંમત નથી હાર્યા અને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યા છે.

નસ ડેમેજ થઈ જતા છાતીમાઁથી લોહી ચઢાવવુ પડે છે

28 વર્ષીય જેકી ઠક્કર જન્મથી થેલેસેમિયાગ્રસ્ત છે અને તેની સારવાર ચાલી રહી છે. પરંતુ જેકીના જીવનમાં એક એવો દિવસ આવ્યો કે, તેની જીવાદોરી સમાન બ્લડ ચડાવવા માટે એક પણ નસ તેના શરીરમાંથી ડોક્ટર પકડી શકતા નહિ. કારણ કે તેની નસ ડેમેજ થઈ ગઈ હતી. આ પરિસ્થિતિમાં પણ જેકી અને તેની સારવાર કરી રહેલા ડોક્ટર હાર માન્યા નથી. અને તેનો રસ્તો શોધી નાંખ્યો છે. જેકીની એક નાની સર્જરી કરી છાતીના ભાગમાં એક પોર્ટ મૂકવામાં આવ્યું છે અને તેના માધ્યમથી જ  જેકીના શરીરમાં બ્લડ ચડાવવામાં આવી રહ્યું છે. આજે જિંદગી સામે લડીને જીતેલો જેકી એક જ મેસેજ લોકોને આપી રહ્યો છે થેલેસેમિયાથી હરવાની જરૂર નથી. સારવારની જરૂર છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો પણ અન્ય બાળકોની જેમ સામન્ય જિંદગી જીવી શકે છે.

થેલેસેમિયાથી ડરવાની જરૂર નથી

થેલેસેમિયા યુનિટના ચેરમેન ડો.અનિલ ખત્રીનું કહેવુ છે કે, હવે થેલેસેમિયાથી ભાગવાની કે ડરવાની જરૂર નથી. ટેકનોલોજીનો ઉપયોગ કરી યોગ્ય સરવાર લઈ શકાય છે. જિંદગીમાં આગળ વધવાની જરૂર છે.

(4:49 pm IST)