Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ટીમ વેકસીન મુકવા જાય છે ત્યારે લોકો ફફડાટના કારણે ભાગે છે

કોરોના વિરોધી રસી મુકવાથી અમને બીમારી અને મોતનો ડર લાગે છે : નર્મદાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ જાતે કબુલ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના સંક્રમણથી બચવા કોવિડ ગાઈડલાઈનના પાલનની સાથે સાથે લોકો વેકસીન મુકાવે એવો સરકાર આગ્રહ કરી રહી છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની ટીમ વેકસીન મુકાવવા જાય ત્યારે લોકો રીતસરના ઘરને તાળા મારી ભાગી જતા હોવાનો ભાજપ સાંસદ મનસુખ વસાવાને અનુભવ થયો હતો.નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મોટે ભાગના લોકોએ કબુલ્યું પણ છે કે કોરોના વિરોધી રસી મુકવાથી બીમાર પડાય છે મૃત્યુ પણ થાય છે એટલે અમે વેકસીન મુકાવતા નથી.
ભાજપ સાંસદ મનસુખ વસાવા ભાજપ કાર્યકરોની ટીમ સાથે નર્મદા અને ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેકસીન અને કોરોના ટેસ્ટ કરાવવા લોકોને સમજાવી રહ્યાં છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે હું જ્યારે ગામડાના લોકોને પૂછું કે તમે વેકસીન લીધી ત્યારે તેઓ એક જ જવાબ આપે છે કે વેકસીન લેવાથી બીમાર પડાય.તેઓ એમ પણ કહી રહ્યા છે કે વેકસીન વિશે લોકો માં જાગૃતીની જરૂર છે.
નર્મદાના અંતરિયાળ સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના ગામડાઓમાં અમે જાતે સમજાવવા ગયા હતા પરંતુ લોકો માં મૃત્યુનો ડર ઘર કરી ગયો છે.જેને કારણે વેકશીન મુકવા ગામડામાં આરોગ્યની ટીમ જાય છે ત્યારે લોકો ઘરે તાળા મારી ભાગી જાય છે.એટલે જ આજે શહેર કરતા જિલ્લા ના ગામડાઓમાં કોરોનાથી મૃત્યુનો આંક વધ્યો છે.લોકો કોરોના ટેસ્ટ કરાવશે અને વેકસીન લેશે તો જ દેશ કોરોના મુક્ત થશે

(11:16 pm IST)