Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

કેરળમાં ચોમાસાનું આગમન :અશોકભાઈ પટેલ

સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કાલથી છુટાછવાયા ઝાપટાની શકયતા :અતિતિવ્ર બની ગયેલ વાવાઝોડુ 'બીપરજોય' ઉત્તર તરફ ગતિ, ત્રણ દિવસ બાદ વાવાઝોડાના ટ્રેક મામલે અસમંજસ ભરી સ્થિતિ

રાજકોટ :રૃમઝૂમ કરતું ચોમાસાનું આગમન કેરળમાં થઈ ગયુ છે. જયારે વાવાઝોડુ 'બિપરજોય' આવતા ત્રણ દિવસ ઉત્તર તરફ ગતિ કરશે. ત્યારબાદ આ વાવાઝોડાના ટ્રેક મામલે અસમંજસભરી સ્થિતિ હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે અરબી સમુદ્રનું વાવાઝોડુ 'બીપરજોય' જે હાલમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર છે, જેનું લોકેશન ૧૪.૨ નોર્થ, ૬૬ ઈસ્ટ જે વેરાવળથી ૭૭૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે અને પોરબંદરથી ૯૦૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે છે. પવનની ઝડપ ૧૩૫ થી ૧૪૫ કિ.મી.ની જયારે ઝાટકાના પવનની ઝડપ ૧૬૦ કિ.મી.ની છે.

હાલમાં સિસ્ટમ્સ સેન્ટર નજીક ૨૭ ફૂટના મોજા ઉછળી રહ્યા છે. સિસ્ટમ્સથી ૩૦૦ કિ.મી.ના વિસ્તારમાં પવનની ઝડપ ૫૫ કિ.મી.ની છે.

આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરેલ છે અને હજુ આવતા ત્રણેક દિવસ ઉત્તર તરફ ગતિ કરશે. ત્રણ દિવસ બાદ સિસ્ટમ્સના ટ્રેક મામલે અસમંજસ છે. જો કે હવામાન ખાતા મુજબ આવતા પાંચ દિવસ મુખ્યત્વે ઉત્તર તરફ જાય છે પરંતુ થોડો પશ્ચિમ તરફ ઝુકાવ છે.

આ સિસ્ટમ્સની અસરથી તા. ૯ જૂનથી છુટાછવાયા ઝાપટા પડશે અને સિસ્ટમ્સ ઉત્તર તરફ આવશે ત્યારે પૂછડીયા વાદળો પણ પસાર થશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે દક્ષિણ અરબી સમુદ્રના બાકીના ભાગો, મધ્ય અરબી સમુદ્રના થોડા ભાગો લક્ષદ્વીપ, કેરળના લગભગ ભાગો અને દક્ષિણ તામિલનાડુના ભાગો, બંગાળની ખાડીના અમુક ભાગોમાં બેસી ગયુ છે.

વાવાઝોડુ હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

(5:16 pm IST)