Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

૨૦થી ૨૫ જુન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થશેઃ અમદાવાદ-ગાંધીનગર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૫ દિવસ વરસાદી માહોલની આગાહી

ઠંડરસ્ટ્રોમ ઍક્ટિવીટીના કારણે છૂટોછવાયો સામાન્ય વરસાદ વરસશે

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા તા.૨૦થી ૨૫ જુન દરમિયાન ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરાઇ છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી 48 કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે. પવનની દિશા બદલાતા અને સાયકલોનને લઈને પવનમાં ભેજ આવતા વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે. હાલ વાવાઝોડું દરિયામાં પોરબંદરથી 930 કિમિ દૂર છે. ત્યારે દરિયામાં હાલ પવન વધુ ફૂંકાઈ રહ્યા છે. 130 કિમી ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધશે. પાંચ દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિ રહે. 40 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.
20 થી 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે. રાજ્યમાં પાંચ દિવસ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. રાજ્યમાં છુરોછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે.
10 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 11 જૂને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ, તાપી, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી છે.

(5:44 pm IST)