Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

વડોદરામાં રખડતા ઢોરોનો આતંક:કિશનવાડીમાં ગાયની હડફેટે વૃદ્ધનુ ગંભીર ઇજાથી મોત

વડોદરા : રખડતા ઢોરના કારણે વધુ એક શહેરીજને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બુધવારે બપોરે પાણીગેટ પાણીની ટાંકી પાસેથી એક્ટિવા પર જઇ રહેલા વૃધ્ધને ગાયે અડફેટમાં લેતા વૃધ્ધ રોડ પર પટકાયા હતા આ સમયે જ પાછળથી આવી રહેલા બે વાહનો વૃધ્ધના પેટ પરથી પસાર થઇ જતા ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિલમા ખસેડવામા આવ્યા હતા જ્યાં ટુંકી સારવારજમાં તેમનું મૃત્યુ થયું હતું. કિશનવાડી વિસ્તારમાં માળી મહોલ્લામાં રહેતા ૬૫ વર્ષના વિઠ્ઠલભાઇ શનાભાઇ માળી સયાજીગંજમાં રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં નોકરી કરતા હતા. બુધવારે વિઠ્ઠલભાઇ પાણીગેટ વિસ્તારમાં રહેતા તેમના સાઢુભાઇના ઘરે જમવા ગયા હતા અને ત્યાંથી બપોરે ૩.૧૫ વાગ્યાના અરસામાં પરત હોટલ પર જવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા. આ સમયે પાણીગેટ પાણીની ટાંકી પાસે રસ્તા પર અચાનક ગાય આડે આવી જતા વિઠ્ઠલભાઇ એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા. આ સમયે જ પાછળથી આવી રહેલા બે વાહનો વિઠ્ઠલભાઇના પેટ પરથી પસાર થઇ ગયા હતા. આ કરૃણ દુર્ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વિઠ્ઠલભાઇને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયુ હતું. રખડતા ઢોરના કારણે શહેરીજનોના જીવ ગુમાવવાના કિસ્સા સતત વધી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા પશુપાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી જેના પગલે લોકોમા રોષનું વાતાવરણ છે.

(6:03 pm IST)