Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

બોરસદ તાલુકાના નાપા વાંટા ગામે સિમ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 8 શકુનિઓની ધરપકડ કરી

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા વાંટા ગામે સીમ વિસ્તારમાં ચાલી રહેલ એક જુગારધામ ઉપર બોરસદ ગ્રામ્ય પોલીસે ઓચિંતો દરોડો પાડી સાત શખ્સોને રૂા.૩૮ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ સાત તથા ફરાર એક અન્ય આરોપી મળી કુલ-૮ શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોરસદ તાલુકાના નાપા વાંટા ગામે જાદવપુરા સીમ વિસ્તારમાં આવેલ હસનખાન ઉર્ફે કારો દિલુભાઈ રાણાના કુવા નજીક આવેલ ખુલ્લા ખેતરમાં હસનખાન ઉર્ફે કારો તથા મોહસીનમીયા ઉર્ફે લાલો ઉર્ફે જલેબી નજીરમીયા કાઝી ભાગીદારીમાં બહારથી માણસો બોલાવી હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે ગતરોજ બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે કોર્ડન કરીને સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે અજયકુમાર ઠાકોરભાઈ ઠાકોર (રહે.વાસણા(બો) બોરસદ), કબીરસીંહ જગનસીંહ ચીકલીગર (રહે.ચારસો મકાન, બોરસદ), ઈકબાલ અભેસીંગ રાણા (રહે.નાપા વાંટા, બોરસદ), યાસીન નમીમીયા કાજી (રહે.નાપા તળપદ, બોરસદ), હસનખાન ઉર્ફે કારો દિલુભા રાણા (રહે. નાપા તળપદ, પોટીયા વિસ્તાર), મોહસીનમીયા ઉર્ફે લાલો ઉર્ફે જલેબી નજીરમીયા કાજી (નાપા તળપદ, જુની મસ્જિદ પાસે) અને હીતેષ ઉર્ફે ટીકો ગુણવંતસીંહ રાઠોડ (રહે.દેહમી, બોરસદ) હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે બોરસદ તાલુકાના નાપા વાંટા ગામનો સોહીલ ઉર્ફે એડી ઈકબાલ રાણા અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દાવ પરથી તેમજ પકડાયેલ શખ્સોની અંગઝડતીમાંથી કુલ્લે રૂા.૩૮૭૩૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ તમામ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:06 pm IST)