Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વિજય સુવાળાને સત્તાનો નશો ચઢ્યો ! : ટ્રાફિકકર્મીએ સંગીતકારની ગાડી રોકતા ભડકી ઉઠ્યો

સુવાળાએ પોતાની ગાડીમાં બેઠા-બેઠા જ પોલીસકર્મીને બદલી કરાવી નાખવાની ધમકી આપી : કહ્યું - તારી બદલી ડાંગ જિલ્લામાં કરાવી નાખીશ

અમદાવાદ તા.07 : ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને નેતા વિજય સુવાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમદાવાદમાં સિંગર વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસકર્મીએ ગુજરાતી સિંગર વિજય સુવાળાની ગાડી રોકતા તેઓ રીતસરના ભડક્યા હતા. એટલું જ નહીં વિજય સુવાળાએ રીતસરની પોલીસકર્મીને બદલી કરાવી દેવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.

વિજય સુવાળાએ પોલીસકર્મીને બદલી કરાવી દેવાની પણ ધમકી આપી હતી. આમ તેના દ્વારા આપવામાં આવેલી આ ધમકી અને પોલીસકર્મી સાથે કરવામાં આવેલા તેના આ દુર્વ્યવહારને કારણે ખળભળાટ મચ્યો છે.

આમ તો, સોશિયલ મીડિયામાં ગુજરાતી સિંગર વિજળ સુવાળાના ગીતો તો બધાએ સાંભળ્યા જ હશે, જેમાં તે એક સાદગીસભર વ્યક્તિ જણાય આવે છે. પરંતુ રાજકારણમાં પ્રવેશ મેળવ્યા બાદ વિજય સુવાળાને જાણે સત્તાનો નશો ચઢ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગત રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વિજળ સુવાળાનું એક એવું સ્વરૂપ જોવા મળ્યું, કે જે સ્વરૂપને કદાચ આજ સુધી કોઈએ જોયું જ નહીં હશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો કચો કે, ગાયક વિજય સુંવાળા અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે. આમ આ સમગ્ર ઘટના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

રિપોર્ટ મુજબ આ સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસકર્મીનો વાંક માત્ર એટલો હતો કે, ગાયકમાંથી નેતા બનેલા ગુજરાતી સિંગર વિજય સુવાળાની તેઓએ ગાડી રોકી હતી, અને બસ આ જ કારણે વિજય સુવાળાએ પોતાની ગાડીમાં બેઠા-બેઠા જ પોલીસકર્મીને બદલી કરાવી નાખવાની ધમકી આપી દીધી હતી. પોલીસકર્મી વિજય સુવાળા ભુવાજીની ગાડી ઊભી રખાવી ખાલી પૂછપરછ કરતા હતા, તે દરમ્યાન વિજય સુવાળાએ પોલીસને ધમકી આપી દીધી કે, તારી બદલી ડાંગ જિલ્લામાં કરાવી નાખીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન 2021મા વિજય સુવાળા આપ નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં આપમાં જોડાયો હતો. આપમાં જોડાતી વખતે 'નાનામાં નાના માણસોને પોતાનો હક મળી શકે તે માટે આપમાં જોડાયો છું. મારી પાસે બેરોજગારી, ખેડૂતો સહિતના ઘણા બધા મુદ્દાઓ છે, જેમાં ન્યાય મળે તે માટે હું સરકાર સામે લડાઈ કરી શકું છું. 'તેવું કહેનારા વિજય સુવાળા માત્ર 7 મહિનાના ટુંકા સમયગાળામાં આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા બાદ આપને છોડવાનું સ્પષ્ટ કારણ પણ ન આપ્યું હતું. અને હાલ તે ભાજપ સાથે જોડાઈને રાજનીતિમાં આગળ વધી રહ્યા છે.

 

(10:46 pm IST)